Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બંગાળની ચૂંટણીમાં ૩ સ્થળે બોંબથી હુમલા, એકનું મોત

બંગાળમાં ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન : ઉત્તર ૨૪ પરગણાના ટીટાગઢના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોમ્બ ફેંકાયો, ૨૮ વર્ષના શખ્સનું સારવાર વેળા મૃત્યુ

નવી દિલ્હી, તા. ૨૨ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા મંગળવારે રાજ્યમાં ૩ જગ્યાએ બોમ્બ વડે હુમલો થયો હતો. મતદાન પહેલા થયેલા વિસ્ફોટોના કારણે ફરી એક વખત ભયનું વાતાવરણ સર્જાયું હતું. છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું હતું તે ક્ષેત્રોમાં જ બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. વિસ્ફોટની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉત્તર ૨૪ પરગણાના ટીટાગઢ ખાતે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા બે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તે પૈકીના ૨૮ વર્ષીય એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઉપદ્રવીઓએ બૈરકપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ટીટાગઢમાં જ અન્ય એક સ્થળે પણ કાચા બોમ્બ ફેંક્યા હતા. આ જગ્યા ભાજપના નેતા સંતોષ જેનાના ઘરની નજીક છે. પોલીસે બુધવારે તે વિસ્તારમાંથી બે જીવીત ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા. આ બંને ઘટના બાદ ક્ષેત્રમાં ભારે તણાવ વ્યાપ્યો હતો.

ભાટાપારા ખાતે પણ મંગળવારે મોડી રાતે બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. આ ક્ષેત્ર ભાજપના સાંસદ અર્જુન સિંહનો ગઢ ગણાય છે. તેઓ પહેલા ટીએમસીના સદસ્ય હતા.

(8:05 pm IST)
  • દેશમાં ઓક્સિજનની અછત વચ્ચે યુ.પી. માં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ, અયોધ્યાના દશરથ મેડિકલ કોલેજમાં 'સ્ટેટ-ઓફ-આર્ટ' ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે આગળ આવ્યું હોવાનું જાણવા મળે છે. access_time 7:56 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST