Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બંગાળમાં કોરોનાના ટ્રિપલ મ્યુનટ સામે વેક્સિન બેઅસર

ચૂંટણીઓ દરમિયાન જંગી રેલીઓએ વાયરસ પ્રસરાવ્યો : દેશમાં ગયા મહિને ડબલ મ્યૂટન્ટ ટાઈપ વાયરસ દેખાયો હતો, જે હવે ટ્રિપલ મ્યૂટેશનમાં પરિણમી ચૂક્યો છે

કોલકાતા, તા. ૨૨ : વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન થઈ રહેલી જંગી રેલીઓને કારણે ચર્ચામાં રહેલા બંગાળમાં પણ હવે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે, બંગાળમાં દેખાઈ રહેલો વાયરસ ત્રિપલ મ્યૂટેશન ધરાવે છે. વાયરસનું આ નવું સ્વરુપ વધારે ઝડપથી ફેલાઈ શકે છે, અને તે વધુ ઘાતક પણ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ગયા મહિને ડબલ મ્યૂટન્ટ ટાઈપ વાયરસ દેખાયો હતો, જે હવે ટ્રિપલ મ્યૂટેશનમાં પરિણમી ચૂક્યો છે.

બંગાળમાં કોરોનાનો જે પ્રકાર જોવા મળી રહ્યો છે તેને એક્સપર્ટ્સ 'બંગાળ સ્ટ્રેઈન' (બી.૧.૬૧૮) તરીકે ઓળખાવી રહ્યા છે. તેની ઘાતકતા અને ફેલાવાની ક્ષમતા ડૉક્ટરોની ચિંતા વધારી રહી છે. આ વાયરસ એવો છે કે તેને કદાચ માણસની રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકે તેમ નથી. અગાઉ કોરોના થઈ ચૂક્યો હોય કે વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિને પણ તેનો ચેપ લાગી શકે છે. જોકે, નવા પ્રકાર પર હજુ ઘણું રિસર્ચ કરવાનું બાકી છે.

સીએસઆઈઆર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજીના રિસર્ચર વિનોદ સ્કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ડબલ મ્યૂટેશન ઉપરાંત વાયરસનું બંગાળ વેરિયંટ હાલના સમયમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સંસ્થા ભારતીયોને વિદેશી પ્રવાસીઓ દ્વારા નવા વેરિયંટનો ચેપ લાગે છે કે કેમ તેના પર રિસર્ચ કરવાનું કામ કરે છે. તેણે જ દેશમાં મહારાષ્ટ્રના સેમ્પલ્સમાં ડબલ મ્યૂટેશનની ઓળખ કરી હતી.

પૂર્વ ભારતમાંથી લેવામાં આવેલા સેમ્પલના વાયરલ જેનોમ્સનું સિક્વન્સિંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જેનોમિક્સ દ્વારા કરવામાં આવે છે, જે કોલકાતાથી ૫૦ કિમી દૂર આવેલી છે. ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેણે એક દર્દીમાંથી મળેલા બંગાળ સ્ટ્રેનની ઓળખ કરી

હતી. જોકે, હવે આ સ્ટ્રેન ખૂબ જ ફેલાઈ ચૂક્યો છે. આ સ્ટ્રેન અંગે સૌથી ચિંતાજનક વાત એ છે કે તેમાં સાઉથ આફ્રિકન અને બ્રાઝિલિયન વેરિયંટ્સના લક્ષણો જોવા મળે છે. તેને ઈમ્યૂન સિસ્ટમ પકડી શકતી નથી. મતલબ કે શરીરમાં અગાઉના વાયરસના સ્વરુપ સામે લડવા માટે વિકસિત થયેલા એન્ટિબોડી તેનો ખાત્મો કરવામાં ખાસ કામ નથી લાગતા. તેમાં વેક્સિન દ્વારા સર્જાયેલા એન્ટિબોડીનો પણ સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જો અગાઉ તમને કોરોનાના બીજા કોઈ સ્ટ્રેનનો ચેપ લાગ્યો હોય અને તમે વેક્સિન પણ લઈ લીધી હોય તો પણ તમે આ સ્ટ્રેન સામે સુરક્ષિત નથી.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ કોરોનાના જે કેસ જોવા મળી રહ્યા છે, તેમાં ડબલ મ્યૂટન્ટ વેરિયંટ ડિટેક્ટ થઈ રહ્યો છે. જ્યારે દિલ્હી અને પંજાબમાં યુકે વેરિયંટ દેખાઈ રહ્યો છે. જોકે, સાઉથમાં હજુ સુધી આવી કોઈ પેટર્નની ઓળખ નથી થઈ શકી. તેવામાં હવે નવા બંગાળ વેરિયંટે ટેન્શન વધાર્યું છે.

(8:06 pm IST)