Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા વચ્ચે માર્ગનો એક હિસ્સો ઘસી પડતા યમુનોત્રી ધામના યાત્રીઓ ત્રણ દિવસ ફસાયા બાદ માર્ગ ફરી શરૂ થયો

વાવાઝોડાને કારણે સમારકામ અનેકવાર પ્રભાવિત થયું હતું: અસમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાયલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 25 લોકોના મોત થયા છે. અસમ સૌથી વધુ પ્રભાવિત છે.

નવી દિલ્‍હી : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા વચ્ચે માર્ગનો એક હિસ્સો ઘસી પડતા યમુનોત્રી ધામના યાત્રીઓ ત્રણ દિવસ ફસાયેલા રહ્યા હતા. તેનાથી 10 હજારથી વધુ યાત્રીઓ પરેશાન રહ્યા હતા અને અંતે શનિવારે સાંજે સમારકામ બાદ માર્ગને ફરીથી શરૂ કરાયો હતો. યમુનોત્રી ધામથી 18 કિમી પહેલા રણાચંડી પાસે બુધવારે સાંજે હાઇવેનો એક હિસ્સો તૂટ્યો હતો. આ પછી વહીવટીતંત્રે મોટા વાહનોની અવરજવર પર રોક લગાવી હતી. ગુરુવારે સાંજે સમારકામ બાદ માર્ગ ફરીથી ખુલ્લો મૂકાયો હતો, જો કે કેટલીક કલાક બાદ ફરીથી એક હિસ્સો તૂટ્યો હતો. NHAIએ ફરીથી કામ શરૂ કર્યું હતું. વાવાઝોડાને કારણે સમારકામ અનેકવાર પ્રભાવિત થયું હતું. અંતે તેને શનિવારે યાત્રીઓ માટે ફરીથી ખોલાયો હતો.

અસમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાયલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 25 લોકોના મોત થયા છે. અસમ સૌથી વધુ પ્રભાવિત છે. અસમમાં શુક્રવારે પૂરમાં ડૂબવાથી ચારના મોત બાદ અહીંયા મૃતકોની સંખ્યા વધીને 9 થઇ હતી. રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ પાંચ લોકો મોતને ભેટ્યા હતા. અસમના 29 જીલ્લાઓના 75 હજાર લોકોને અત્યારે 234 રાહત શિબિરોમાં ખસેડાયા છે. મેઘાલયમાં પણ પૂરને કારણે ત્રણનાં મોત નોંધાયા છે. બિહારમાં બે દિવસથી ભારે વરસાદ અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ગુરુવાર અને શુક્રવારે બિહારના 16 જીલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે તેમજ અન્ય દુર્ઘટનામાં કુલ 33 લોકોના મોત નિપજ્યા છે. અનેક રસ્તાઓ પર વીજળીના થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો.

(12:47 pm IST)