Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યસચિવ અલાપાન બંધોપાધ્યાય સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી

ગેરવર્તન અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ: કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે તેમની સામે ભારે દંડ લાદવાની દરખાસ્ત કરી : 30 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યસચિવ અને હાલમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપાન બંધોપાધ્યાય વિરુદ્ધ ગેરવર્તન અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં, અલાપનની ગેરવર્તણુંક અંગે પ્રશ્નો ઉભા થયા હતા અને હવે કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે તેમની સામે ભારે દંડ લાદવાની દરખાસ્ત કરી છે.

  આ કેસમાં કેન્દ્રએ અલાપાન બંધોપાધ્યાય સામે તપાસના આદેશ પણ આપ્યા છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સૂચના જાહેર થયાના 30 દિવસની અંદર અલાપન પોતાના બચાવમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. અથવા તે પોતે હાજર થઈ શકે છે અને આ ઘટનાનું કારણ સમજાવી શકે છે. જો તે આમ નહીં કરે તો તપાસ સમિતિ તેમના પરના આક્ષેપોના આધારે એકપક્ષીય નિર્ણય લેશે.

18 જૂનના રોજ અલાપાન બંધોપાધ્યાય વિરુદ્ધ તપાસ શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ સાથે એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ (શિસ્ત અને અપીલ) ના નિયમ 8 હેઠળ અલાપન સામે મોટો દંડ લાદવાની દરખાસ્ત કરે છે. નોટીફીકેશનમાં જણાવાયું છે કે તેમની સામે નોકરી પર રહેતા ગેરવર્તન કરવા માટેના કેટલાક આરોપો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી અને મુખ્ય સચિવ તરીકે અલાપાન બંધોપાધ્યાયનું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે અલાપાન પણ આ બેઠકમાં શામેલ થયા નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.

કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યસચિવ અને હાલ મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંધોપાધ્યાયને કેન્દ્ર સરકારે 1 જૂને કારણદર્શક નોટીસ ફટકારી હતી.

(10:06 pm IST)