Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ગાઝિયાબાદના લોનીમાં મુસ્લિમ શખ્સ સાથે થયેલી મારપીટ મામલે ટ્વિટરે ૫૦ ટ્વીટ્સ સામે પ્રતિબંધ મુક્યો

દેશની પોલીસના સૂચન પછી અને કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરાઈ

ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદના લોનીમાં એક મુસ્લિમ શખ્સ સાથે થયેલી મારપીટ મુદ્દે ટ્વિટરે ૫૦ ટ્વીટ્સ સામે પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરના અધિકારીઓએ કહ્યું હતું કે સ્થાનિક પોલીસના સૂચન પછી સામગ્રી વધુ લોકો સુધી ન પહોંચે તે માટે કાર્યવાહી કરવી જરૃરી હતી.
ગાઝિયાબાદના લોનીમાં અબ્દુલ સમદ સૈફી પર હુમલો થયો હતો અને તેની દાઢી કાપી નાખવામાં આવી હોવાનો આરોપ લાગ્યો હતો. એ મુદ્દે ટ્વીટ્સ થઈ તેમાં ટ્વિટરની ભૂમિકા શંકાસ્પદ હતી એવું યુપી પોલીસે કહ્યું હતું. યુપી પોલીસે આરોપ લગાવ્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે સાંપ્રદાયિક તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો હતો.
 યુપી પોલીસે ટ્વિટરના એમડીને નોટિસ પાઠવીને લોનીમાં નિવેદન માટે હાજર રહેવાનું કહ્યું હતું. તે માટે એક સપ્તાહનો સમય અપાયો હતો, પરંતુ ટ્વિટર ઈન્ડિયાના એમડી મનિષ મહેશ્વરી હાજર રહ્યા ન હતા. ટ્વિટરે યુપી પોલીસની નોટિસનો જવાબ આપીને વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની તૈયારી બતાવી હતી અને તે મુદ્દે વાતચીત કરવા કંપની તૈયાર હોવાનું કહ્યું હતું.
પરંતુ યુપી પોલીસને ટ્વિટરના આ જવાબથી સંતોષ નથી. પોલીસે વીડિયો કોન્ફરન્સથી હાજરી માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો અને બીજી નોટિસ પાઠવવાની તૈયારી શરૃ કરી હતી.  

  ગાઝિયાબાદ પોલીસે મુસ્લિમ શખ્સની મારમીટ થઈ તે પછી સોશિયલ મીડિયામાં પડેલા પ્રત્યાઘાત મુદ્દે નવ સામે ફરિયાદ દાખલ કરી હતી. એમાં ટ્વિટરનો પણ સમાવેશ થાય છે.
ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર પાસે મુસ્લિમ શખ્સ ઉપર થયેલા હુમલાનો વીડિયો સૌપ્રથમ પોસ્ટ કરનારા એકાઉન્ટની માહિતી માગી હતી. તે પછી કોણે કોણે એ વીડિયો પોસ્ટ કર્યો અને શેર કર્યો તેની વિગતો પણ પોલીસે માગી હતી.
દરમિયાન ટ્વિટરે લોનીના મુસ્લિમ શખ્સ પર થયેલા હુમલાના સંદર્ભમાં જે ૫૦ ટ્વીટ્સ થઈ હતી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે દેશની પોલીસના સૂચન પછી અને કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારની સામગ્રી લોકો સુધી ન પહોંચે તે માટે તેના પર પ્રતિબંધ મૂકવો જરૃરી બની જાય છે. તેના ભાગરૃપે આ ટ્વીટ્સ રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવી છે.

(12:00 am IST)