Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઇટાલીની પ્રજાને ૨૮ જૂનથી માસ્ક પહેરવામાંથી મુકિત મળશે

રોમ, તા.૨૨: ઇટાલીના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દેશમાં ૨૮ જૂનથી મોઢા પર માસ્ક પહેરવાનું ફરજીયાત નહીં રહે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ રોગચાળાના આરંભ વખતે યુરોપ ખંડમાં ઇટાલી કોવિડ-૧૯નું કેન્દ્રબિંદુ હતું.

ઇટાલીમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી જતાં આરોગ્ય મંત્રાલયે આ ઓર્ડર બહાર પાડયો છે. રોગચાળાના ફેલાવાના મામલે ઇટાલીની સરકારે એક વર્ગીકરણ પધ્ધતિ અપનાવી છે, જે હેઠળ જયાં કોરોનાનો ફેલાવો સાવ ઘટી ગયો હોય એને 'વ્હાઇટ' લેબલ આપવામાં અવો છે. નિષ્ણાતોનું માનવું છે કે ૨૮ જૂન સુધીમાં આખો દેશ 'વ્હાઇટ' કેટેગરીમાં આવી જશે. માત્ર વાયવ્ય ખૂણે આવેલા નાનકડા એવા ઓસ્ટા વેલી પ્રદેશમાં જ કોરોનાના કેસ છે. ૨૦૨૦ના આરંભમાં કોરોના ફેલાવાની શરૂઆત થઇ હતી ત્યારથી ઇટાલીમાં આ બીમારીથી કુલ ૧,૨૭,૮૯૧ જણના મરણ થયા છે અને સંક્રમિત લોકોની સંખ્યા ૪૨ લાખ ૫૦ હજારથી વધુ છે. ૬ કરોડની વસ્તીવાળા ઇટાલીમાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીના ૪ કરોડ ૬૦ લાખ આપવામાં આવી ચૂકયા છે.

(10:16 am IST)