Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

બળાત્‍કારની વધતી ઘટનાઓ માટે મહિલાઓના કપડા જવાબદાર : ઇમરાન ખાન

ઇસ્‍લામાબાદ,તા. ૧૨: પાકિસ્‍તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર બળાત્‍કારને લઈને ‘બેહુદુ'નિવેદન આપ્‍યું છે. હકીકતમાં, ઇમરાને ફરી એકવાર કહ્યું છે કે પાકિસ્‍તાનમાં બળાત્‍કારના વધતા જતા કેસ પાછળ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા કપડાં છે.

એક ચેનલને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં ઇમરાને કહ્યું, ‘જો કોઈસ્ત્રી ખૂબ ઓછા કપડાં પહેરે છે, તો તેની અસર પુરુષો પર પડે છે, પુરુષો રોબોટ તો નથી. આ એક કોમન સેન્‍સની વાત છે.

જોકે ઈમરાનખાનના નિવેદનની વિપક્ષો દ્વારા ટીકા થઈ રહી છે. પત્રકારોને પણ ઈમરાનનુ નિવેદન પસંદ આવ્‍યુ નથી. ઈન્‍ટરનેશલ જસ્‍ટિસ કમિશનના એડવાઈઝર રીમા ઓમરે કહ્યુ હતુ કે, ઈમરાનખાન યૌન હિંસા માટે ભોગ બનનાર જ જવાબદાર હોવાનુ કહી રહ્યા છે અને આ નિરાશાજનક વાત છે. તેમનુ નિવેદન તેમની બીમાર માનસિકતા દર્શાવી રહ્યુ છે.

આ પહેલા પણ ઈમરાને આ પ્રકારનુ નિવેદન આપીને કહ્યુ હતુ કે, બાળાત્‍કારના વધતા જતા બનાવો માટે અશ્‍લિલતા જવાબદાર છે. એ પછી પાકિસ્‍તાનમાં આ નિવેદન સામે ભારે રોષ જોવા મળ્‍યો હતો.

પાકિસ્‍તાનમાં દર ૨૪ કલાકમાં રેપના ૧૧ બનાવો બને છે. છ વર્ષમાં ૨૨૦૦૦ કેસ પોલીસમાં નોંધાયા છે. જોકે રેપના આરોપીઓ પૈકી માંડ ૦.૩ ટકાને સજા થાય છે. ગયા વર્ષે ડિસેમ્‍બરમાં પાક સરકારે મહિલાઓ અને બાળકોના યૌન શોષણના મામલામાં સુનાવણી માટે વિશેષ કોર્ટ સ્‍થાપવાના અધ્‍યાદેશને મંજૂરી આપી હતી અને તેમાં આવા કેસ ચાર મહિનામાં પૂરા થશે તેવુ નક્કી કરાયુ હતુ.

(10:42 am IST)