News of Tuesday, 22nd June 2021
નવી દિલ્હી તા. ૨૨ : કોરોનાની બીજી લહેર વિરૂધ્ધની લડાઇમાં ભારત માટે સોમવારનો દિવસ મહત્વનો રહ્યો. સતત ૧૪મા દિવસે દૈનિક સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડો અનુસાર હવે દેશને પ્રતિબંધોથી મુકત કરી શકાય છે પણ નિષ્ણાંતો તેની જાહેરાત કરવામાં સાવચેતી રાખી રહ્યા છે.
ભારતમાં સોમવારે દૈનિક સંક્રમણ દર ૩.૮૩ ટકા નોંધાયો હતો. ૭ જૂને દૈનિક સંક્રમણ દર ૪.૬ ટકા હતો ત્યાર પછીથી તે ૫ ટકાથી નીચે જ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સકારાત્મક પાસુ છે પણ હજુ અત્યંત સાવચેતી રાખવાની જરૂર છે. વાયરસના નવા નવા વેરીયન્ટો સામે આવી રહ્યા છે અને દૈનિક કેસો પણ ૫૦ હજારથી ઉપર છે. દેશના કેટલાક જીલ્લાઓમાં હજુ પણ સંક્રમણ દર પાંચ ટકાથી વધારે છે.
ગૌતમ બુધ્ધનગર સ્થિત નાડર યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સના એસોસીયેટ પ્રોફેસર સુરેશ વીરપૂ કહે છે કે વર્તમાન પાંચ ટકાથી ઓછા સંક્રમણ દર સાથે ભારતમાં કોરોનાની બીજી લહેર જેટલી ઝડપે ઉપડી હતી એટલી જ ઝડપે બેસી રહી છે પણ તેનો અંત હજુ પણ બહુ દૂર છે કેમકે ડેલ્ટા પ્લસ જેવા વેરીયન્ટ સામે આવી રહ્યા છે.
ડબલ્યુએસઓ અનુસાર જો કોઇ વિસ્તાર અથવા દેશમાં સળંગ ૧૪ દિવસ સુધી દૈનિક સંક્રમણ દર પાંચ ટકાથી નીચે રહે તો તેને ખોલી શકાય છે એટલે કે પ્રતિબંધો હટાવી શકાય છે. આ માપદંડના આધારે ભારતમાં બીજી લહેરનો અંત થયો હોવાનું ગણી શકાય.
સરકારી નીતિઓ પર નજર રાખનાર ચંદ્રકાંત લહારીયા કહે છે કે કેસો જરૂર ઘટી રહ્યા છે પણ હજુ પણ તેની સંખ્યા વધારે જ છે. રાષ્ટ્રીય સંક્રમણ દર ભલે પાંચ ટકાની નીચે આવી ગયો પણ ઘણાં જિલ્લાઓમાં તે હજુ પણ પાંચ ટકાથી વધારે છે. હરિયાણાની અશોક યુનિવર્સિટીના ભૌતિક તથા જીવ વિભાગમાં પ્રોફેસર ગૌતમ મેનન કહે છે કે કેરળમાં દૈનિક સંક્રમણ દર પાંચ ટકાથી વધારે છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે વધારે ટેસ્ટીંગના કારણે છે કે ત્યાં સ્થિતિ ખરેખર ખરાબ છે. રવિવારે કેરળમાં સંક્રમણ દર ૧૦.૮૪ ટકા હતો.