Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કુલ કેસ ૨,૯૯,૭૭,૮૬૧ : કુલ મૃત્યુઆંક ૩,૮૯,૩૦૨

દેશમાં ૯૧ દિવસ બાદ ૫૦,૦૦૦થી ઓછા કેસ નોંધાયા : ૨૪ કલાકમાં ૧૧૬૭ના મોત

એકટીવ કેસ ૬,૬૨,૫૨૧ : અત્યાર સુધીમાં ૨,૮૯,૨૬,૦૩૮ લોકો સાજા થયા

નવી દિલ્હી તા. ૨૨ : કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૨ હજાર કેસ નોંધાયા છે. જયારે ૧૧૬૭ લોકોના મોત થયા છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા ૫૩,૨૫૬ કેસ નોંધાયા હતા અને ૧૪૨૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં ૯૧ દિવસ બાદ ૫૦,૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૨,૬૪૦ કેસ નોંધાયા છે. જે ૯૧ દિવસમાં સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે ૨,૯૯,૭૭,૮૬૧ પર પહોંચી ગયો છે. જેમાંથી ૬,૬૨,૫૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૮૧,૮૩૯ દર્દીઓ રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો હવે ૨,૮૯,૨૬,૦૩૮ થયો છે.

સરકારી આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે દેશભરમાંથી ૧,૧૬૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે ૩,૮૯,૩૦૨ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં રસીના ૨૮,૮૭,૬૬,૨૦૧ ડોઝ અપાયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે એક દિવસમાં દેશભરમાંથી કોરોનાના ૧૬,૬૪,૩૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૯,૪૦,૭૨,૧૪૨ પર પહોંચી ગયો છે.

(10:59 am IST)