Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઇરાનમાં રાજકીય ફેરફારો વિશ્વની કૂટનીતિ અને રાજકીય વ્યવસ્થા પર કરશે વ્યાપક અસર

ઇરાનમાં ઉદારવાદી હસન રૂહાની જગ્યાએ કટ્ટરપંથી ઇબ્રાહિમ રઇસી ચુંટાયા

નવી દિલ્હી તા. રરઃ કટ્ટર પંથી ન્યાયાધીશ ઇબ્રાહિમ રઇસી ઇરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા છે. રઇસી દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખાયનેઇના અંગત વ્યકિત છે. ઇરાની રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિજયી ઉમેદવારે ઓછામાં ઓછા પ૦ ટકા મત મેળવવા પઢડે છે. જો આમ ન થાય તો ફ્રાંસની જેમ પહેલા અને બીજા સ્થાને આવનાર હરીફો વચ્ચે ફરીથી ચુંટણી થાય છે પણ રઇસીને પ્રારંભિક મતગણત્રીમાં જ ૬ર ટકાથી વધારે મત મળી ગયા છે.

અત્યારે ઇરાનની રાજકીય વ્યવસ્થામાં દેશના બધા મામલાઓમાં આખરી નિર્ણય સર્વોચ્ચ નેતા આયુતુલ્લા અલી ખામનેઇ લે છે. તેમના પછીનું પદ રાષ્ટ્રપતિનું છે. રઇસીને ખામનેઇના ઉત્તરાધિકારીના રૂપમાં પણ જોવાય છે. ખામનેઇ ૮ર વર્ષનાં થઇ ચૂકયા છે એટલે તેમના ઉત્તરાધિકારી અંગેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

પરંપરાગત રીતે ઇરાન પોતાની વિદેશ નીતિમાં ''ના પૂર્વ ના પશ્ચિમ''ની નીતિનું પાલન કરે છે પણ હાલમાં સર્વોચ્ચ નેતા આયુતુલ્લા અલી ખામનેઇ તથા નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીએ હવે ''પૂર્વને પ્રાથમિકતા''ની વાત કહી છે. આની મધ્યપૂર્વ પર વ્યાપક અસર થશે. મધ્ય પૂર્વમાં ઇરાનના વધતા પ્રભાવને એનાથી જાણી શકાય છે કે સાઉદી અરબ અને ઇજીપ્ત એ બે મોટા દેશોને છોડીને ઇરાને લગભગ બધા દેશો સાથે મિત્રતા કરી લીધી છે એવું માનવામાં આવી રહ્યું છે કે રઇસીના આવ્યા પછી યમનમાં ઇરાન સમર્પિત જૂથને ઇરાન પાસેથી વધારે સૈન્ય અને આર્થિક સહાયતા મળશે જે સાઉદી અરબ માટે સારા સંકેત નથી. તો પેલેસ્ટાઇન વિસ્તારમાં હમાસની સ્થિતિ વધુ મજબૂત બનશે જેનાથી ઇઝરાયેલની ચિંતા પણ વધશે. આ ઉપરાંત ઇરાક અને સીરીયામાં પણ ઇરાની રીવોલ્યુશનરી ગાર્ડના પ્રભાવમાં સ્વાભાવિક વધારો થશે. તેનાથી અમેરિકાને પરેશાની થશે જયારે ચીન અને રશિયા રાજી થશે.

બીજી બાજુ ચીન ઇરાન સાથે ગાઢ સંબંધો બનાવવાની કોશિષ કરી રહ્યું છે. જો કે ચીન જે રીતે સાઉદી અરબથી રણનૈતિક તેલ ભંડારોનું સર્જન કરી રહ્યું છે અને બીજી બાજુ સંયુકત આરબ આમિરાતની કંપનીઓ સાથે પણ સમજૂતિ કરી રહ્યું છે તેના કારણે ઇરાન ચીન પર બહુ વિશ્વાસ નથી મૂકતું. ઇરાન ભારતને પોતાના વિશ્વાસુ મિતર તરીકે માનતું આવ્યું છે. જો કે હાલમાં અમેરિકન આર્થિક પ્રતિબંધોના કારણે ભારત ઇરાન સંબંધોને અસર થઇ છે. હાલમાં ભારતે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે. ઇરાન ભારતને આંતરરાષ્ટ્રીય ભાવોથી રપ ટકા ઓછા ભાવે ઓઇલ આપતું હતું. ઉપરાંત તેના ઓઇલની ગુણવત્તા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. એટલે ભારત ફરીથી ઇરાનને મહત્વ આપવા વિચારી રહ્યું છે.

ઇરાન અત્યારે ભયંકર આર્થિક સંકટ સામે લડી રહ્યું છે. ત્યારે જો ભારત ઇરાન પાસેથી ઓઇલ ખરીદે તો તેનો જોરદાર આર્થિક લાભ ઇરાનને મળશે. તેનાથી ભારત-ઇરાન સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બની શકે છે. અત્યારે ભારત અમેરિકા અને સાઉદી અરબથી તેલ આયાત કરે છે. અમેરિકન ઓઇલ ટ્રાન્સ્પોર્ટેશનની દ્રષ્ટિએ મોંઘું છે અને તેની ગુણવત્તા પણ બહુ સારી નથી.

(3:26 pm IST)