Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઓછા જોખમે સારૂ રિટર્નઃ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોના રૂ.૧૦૦૦ના રૂ.૧૬૪૦ કરી આપ્યા

બ્લુચિપ ફંડસમાં છેલ્લા એક વર્ષમાં ૬૪ ટકા જેટલું રિટર્ન મળ્યું છે

નવી દિલ્હી, તા.૨૨: કોરોના પછી લોકોને રોકાણની કિંમત સમજાઈ છે. જોકે આ સાથે લોકો સાવધાની પૂર્વક રોકાણ કરતાં થયા છે કારણ કે આ સમયમાં માર્કેટની અન્સ્ટેબિલિટી જોતાં દરેક પગલું વિચારીને ભરવું જરુરી છે. જો તમે આ દિવસોમાં રોકાણ કરવા માટે કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો જયાં તમને ઓછા રિસ્કની સાથે સારું રિટર્ન મળે તો તમે મ્યુચ્યુઅલ ફંડના બ્લુચિપ ફંડ્સમાં રોકાણની શરૂઆત કરી શકો છો. બ્લુચિપ ફંડ્સે છેલ્લા ૧ વર્ષમાં ૬૪% સુધી રિટર્ન આપ્યું છે. આજે અમે તમને બ્લુચિપ ફંડ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે પણ તેમાં રોકાણ કરીને નફો મેળવી શકો.

તે લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. જો કે, કેટલાક લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ તેમના નામ સાથે બ્લુચિપ જોડી લીધું છે. જેમ કે, એકિસસ બ્લુચિપ ફંડ, ICICI પ્રૂ બ્લુચિપ ફંડ, SBI બ્લુચિપ ફંડ, કોટક બ્લુચિપ ફંડ અથવા ફ્રેન્કલિન બ્લુચિપ ફંડ. તે સિવાય, લાર્જ અને મિડ કેપ સેગમેન્ટમાંથી મિરાએ એસેટ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ્સ પ્રિન્સિપલ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ છે.

બ્લુચિપ કંપનીઓ એવી કંપનીઓને કહેવાય છે જેનો આકાર ઘણો મોટો હોય છે અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના શેરમાં ઉતાર-ચઢાવ ઓછો હોય છે, તેથી તેમાં પૈસાનું રોકાણ કરો તો નુકસાનની સંભાવના ઓછી છે, ખાસ કરીને લાંબા ગાળામાં ઓછી રહે છે.

લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે ટોપની ૧૦૦ કંપનીઓમાં રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ફંડમાંથી ઓછામાં ઓછા ૮૦% ફંડનું રોકાણ કરવું જરૂરી છે. બ્લુચિપ ફંડ્સમાં તે રોકાણકારોને પૈસાનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે ઓછા જોખમની સાથે શેર બજારમાં પ્રવેશ કરવા માગે છે.

કેટલાક ફંડ મેનેજર્સના જણાવ્યા પ્રમાણે, આ સ્કિમોમાં ઓછામાં ઓછા ૫ વર્ષના ટાઈમ પિરિઅડને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવી કે ટૂંકા ગાળામાં શેર માર્કેટના ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણ પર વધારે થઈ શકે છે જયારે લાંબા ગાળામાં આ જોખમ ઓછું હોય છે.

(4:19 pm IST)