Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માલદીવમાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર આયોજિત યોગ કાર્યક્રમમાં કટ્ટરપંથીઓનો હંગામો : તપાસના આદેશ

માલદીવની રાજધાની માલેમાં આવેલ ગાલોલ્હુ નેશનલ ફૂટબોલ પાર્કમાં યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના જૂથે સ્ટેડિયમમાં હંગામો મચાવ્યો

નવી દિલ્હી :આજે સમગ્ર વિશ્વમાં 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આ અવસરે માલદીવની રાજધાની માલેમાં આવેલ ગાલોલ્હુ નેશનલ ફૂટબોલ પાર્કમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં ઈસ્લામિક કટ્ટરપંથીઓના જૂથે સ્ટેડિયમમાં હંગામો મચાવ્યો હતો. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

રાષ્ટ્રપતિ સોલિહે ટ્વિટર પર લખ્યું કે, “Galolhu સ્ટેડિયમમાં આજે સવારે બનેલી ઘટના અંગે @PoliceMv દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આને ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવે છે અને જવાબદારોને ઝડપથી કાયદાની સામે લાવવામાં આવશે ”

BNN ન્યૂઝ રૂમ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે યોગના કાર્યક્રમમાં અચાનક 100થી વધુ લોકો ધ્વજ લઈને સ્ટેડિયમ તરફ દોડી ગયા અને લોકોને ભગાડવા લાગ્યા. એક ભીડ માલદીવના નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં તોફાન કરતી જોઈ શકાય છે, કારણકે ઉપસ્થિત લોકો પોતાની સુરક્ષા માટે આમ-તેમ દોડતા નજરે ચડે છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ટાપુ રાષ્ટ્રના યુવા, રમતગમત અને સામુદાયિક સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. હુમલાખોરોની ઓળખ તરત જ જાણી શકાઈ ન હતી, જોકે BNN ન્યૂઝરૂમે તેમને ‘ઉગ્રવાદીઓના જૂથ’ તરીકે વર્ણવ્યા હતા. પરંતુ આ ઘટનાક્રમમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી.

જોકે પોલીસે હજુ સુધી હુમલા પાછળનો હેતુ જાહેર કર્યો નથી, ઉલ્લેખનીય છે કે માલદીવ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. યોગ ધ્યાન એ ઈસ્લામિક વિદ્વાનોમાં ભારે ચર્ચાનો વિષય છે, જેમાંથી કેટલાક માને છે કે આ પ્રથા ‘સૂર્ય પૂજા જેવી જ છે.  જોકે, આ ઘટના પર અત્યાર સુધી ન તો ભારતના વિદેશ મંત્રાલયે અને ન તો માલેમાં ભારતીય હાઈ કમિશને કોઈ પ્રતિક્રિયા આપી છે.

(12:00 am IST)