Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડાપ્રધાન મોદી સાથે ત્રણેય સેનાધ્યક્ષની મહત્ત્વનીબેઠક: અગ્નિપથ યોજના અને અમલીકરણ વિશે ચર્ચા

અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ત્રણેય સેના પ્રમુખો સાથે પીએમની મંત્રણા

નવી દિલ્હી :દેશમાં ભારતીય સેનામાં ભરતી માટે આવેલી નવી યોજના અગ્નિપથ યોજના  પર સંગ્રામ છેડાયો છે. દેશમાં આ યોજનાના કેટલાક નિયમોને કારણે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ ભયકંર પ્રદર્શનમાં ફેરવાયુ છે. સરકારી અને ખાનગી સંપત્તિઓને પ્રદર્શનકારીઓ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. ટ્રેનો એન બસો સળગાવવામાં આવી રહી છે. આની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી. દેશમાં આ પ્રદર્શનને કારણે 200 કરોડથી વધારેનું નુકશાન થયુ છે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ત્રણેય સેના પ્રમુખો આજે પ્રધાનમંત્રી મોદીને  મળ્યા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય સેના પ્રમુખોએ પીએમ મોદીને અગ્નિપથ યોજના અને તેના અમલીકરણ વિશે માહિતી આપી છે.

સરકારે 14 જૂને આ યોજનાની જાહેરાત કરી હતી, ત્યારથી દેશના વિવિધ ભાગોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. હાલમાં જ ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને અગ્નિપથ યોજના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ભારતીય સેનાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અગ્નિપથ યોજના પર આપવામાં આવેલી ‘વિશ્વસનીય’ માહિતીથી લોકોના મનમાં રહેલી મૂંઝવણ દૂર થઈ ગઈ છે અને ભારતીય સેનામાં સૈનિક બનવાની તૈયારી કરી રહેલા યુવાનોએ ઘણી જગ્યાએ ભરતી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને સેનામાં રેજિમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ યોજના સૈન્યની ભરતીમાં મહત્ત્વના સુધારા લાવશે.

અગ્નિપથ યોજનાને સમર્થન આપતા એક અધિકારીએ કહ્યું કે આ યોજનાથી કોઈ નુકસાન થશે નહીં. આની મદદથી સેનાની યુદ્ધ ક્ષમતામાં સુધારો જોવા મળશે. નોંધનીય છે કે આ યોજનાનું અનાવરણ 12 જૂને કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં હિંસક વિરોધ બાદ હવે યુવાનોનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીર શૌર્ય પુરસ્કારો માટે પાત્ર હશે. સેના શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.

વર્ષ 1989થી વિવિધ સમિતિઓ દ્વારા આ યોજના માટે ભલામણ કરવામાં આવી હતી અને તમામ હિતધારકો અગ્નિપથ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં સામેલ હતા. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અરજી કરનારા તમામ યુવાનોએ એક ‘એફિડેવિટ’ આપવું પડશે, જેમાં માહિતી લખવામાં આવશે કે તેઓ કોઈપણ પ્રદર્શન અથવા હિંસામાં સામેલ નથી.

(12:00 am IST)