Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સુરતથી આસામ પહોંચ્‍યા શિવસેનાના બાગીઓ

મહારાષ્‍ટ્રનું રાજકીય બખડજંતર : ૪૦ ધારાસભ્‍યો પોતાની સાથે હોવાનો બાગી નેતા શિંદેનો દાવોઃ બીજા ૧૦ આવી રહ્યા હોવાનો ધડાકોઃ ધારાસભ્‍યોનું ફોટો સેશન

નવી દિલ્‍હી, તા.૨૨: સુરતની અઠવાલાઈન્‍સ હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યો આસામ પહોંચ્‍યા છે. પોતાની સાથે ૧૦-૨૦ નહીં પરંતુ ૪૦ ધારાસભ્‍યો હોવાની વાત શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેએ કહી છે. આ સાથે તેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને નથી છોડી અને કયારેય છોડશે પણ નહીં તેવી વાત કરી છે. આખો દિવસ સુરતમાં મહારાષ્‍ટ્રનું રાજકારણ ગરમાયા બાદ આ તમામ ધારાસભ્‍યોને લઈને એકનાથ શિંદે આસામ પહોંચ્‍યા છે. બીજી તરફ ભાજપના નેતાએ સુરતથી આસામ પહોંચેલા શિવસેનાના ધારાસભ્‍યોનું સ્‍વાગત પણ કર્યું છે.

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેમની પાસે ૪૦ ધારાસભ્‍યોનું સમર્થન છે. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે ૧૦ ધારાસભ્‍યો ટૂંક સમયમાં તેમની સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું, અહીં ૪૦ ધારાસભ્‍યો મારી સાથે છે. આ સિવાય ૧૦ વધુ ધારાસભ્‍યો પણ ટૂંક સમયમાં મારી સાથે આવશે. હું કોઈની ટીકા કરવા માંગતો નથી. સ્‍વર્ગસ્‍થ બાળાસાહેબ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી શિવસેનાને જાળવી રાખવા અમે આતુર છીએ.

ગુવાહાટી જતા પહેલા એકનાથ શિંદેએ તેમના સાથી ધારાસભ્‍યો સાથે સુરતની હોટલમાં પોઝ આપ્‍યો હતો. તેમણે દાવો કર્યો કે તેમની સાથે ૪૦ ધારાસભ્‍યો છે. જો કે તસવીરો જોઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સાથે ૩૫ ધારાસભ્‍યો છે.

સુરતના એરપોર્ટ પરથી એકનાથ શિંદેએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્‍યું કે ૅઅમે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને નથી છોડી રહ્યા અને છોડવાના પણ નથી. અમે બાળાસાહેબના હિન્‍દુત્‍વનું અનુકરણ કરી રહ્યા છીએ અને તેને આગળ લઈ જઈશું. સુરતથી ધારાસભ્‍યોને લઈને આસામ પહોંચલા એકનાથ શિંદેએ કહ્યું કે, ૪૦ ધારાસભ્‍યો અહીં હાજર છે અને અમે બાળાસાહેબ ઠાકરેના હિન્‍દુત્‍વ અને તેમની ભમિકાને આગળ લઈ જઈ રહ્યા છીએ.

મહારાષ્‍ટ્રમાં એક સાથે મોટી સંખ્‍યામાં ધારાસભ્‍યો સુરત આવી જતા રાજ્‍યના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આ ભૂકંપના કારણે બેઠકો પર બેઠકના દોર શરુ થઈ ગયા છે બીજી તરફ શિવસેના દ્વારા આ પ્રકારની વળત્તિ માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. પાર્ટીથી નારાજ ધારાસભ્‍યો સુરત આવ્‍યા હતા પરંતુ રાત્રે સીન બદલાયો અને હવે તેમનું ફોકસ સુરતથી આસામ થઈ ગયું છે. મુંબઈથી નીકળીને સુરત પહોંચ્‍યા હતા, પરંતુ અહીં એક દિવસના રોકાણ બાદ તમામ ધારાસભ્‍યો હવે આસામ પહોંચી ગયા છે. અડધી રાત બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે અને પાર્ટીના અન્‍ય ધારાસભ્‍યો આસામ જવા માટે રવાના થઈ ગયા હતા. આજે સવારે ૭ વાગ્‍યે તેઓ ગુવાહાટી એરપોર્ટ પહોંચ્‍યા હતા. ધારાસભ્‍યો અહીં પહોંચ્‍યી ગયા પછી જે તસવીરો સામે આવી છે તેનાથી સ્‍પષ્ટ થાય છે કે ધારાસભ્‍યોની સંખ્‍યા મોટી છે.

શિવસેનાના ધારાસભ્‍યો સુરતમાં હતા ત્‍યારે તેમની સાથે સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી હતતી. ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી હતી, જેમાં શરદ પવારે સરકાર બચાવવાની કમાન સંભાળી તો બળવાખોર ધારાસભ્‍યો સુરત છોડીને આસામના ગુવાહાટી પહોંચ્‍યા છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેને લાગ્‍યું હતું કે સુરતમાં તેમની સાથે આવેલા ધારાસભ્‍યો સાથે ઉદ્ધવ ઠાકરેની ટીમ સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે, જેથી તેઓ તમામ ધારાસભ્‍યોને લઈને સુરતથી ભાજપ સાશિત આસામ પહોંચી ગયા હતા.

આસામમાં ભાજપના ધારાસભ્‍ય સુશાંત બોરગોહે શિવસેનાના ધારાસભ્‍યોનું સ્‍વાગત કરવા માટે પહોંચ્‍યા હતા, અહીં તેમણે મીડિયાને જણાવ્‍યું કે, હું અહીં તેમને (સુરતથી આવેલા શિવસેનાના ધારાસભ્‍યો) લેવા માટે આવ્‍યો છું. હું વ્‍યક્‍તિગત સંબંધના કારણે અહીં તેમને લેવા માટે આવ્‍યો છું. મેં ગણતરી નથી કરી કે અહીં કેટલાક ધારાસભ્‍યો આવ્‍યા છે. મને તેમના કાર્યક્રમ વિશે જણાવવામાં આવ્‍યું નથી.

(3:25 pm IST)