Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કંપનીમાં કર્મચારીઓને મળશે ૩૬૫ દિવસની રજા અને આખેઆખો પગાર

વાહ ભૈ વાહ... મજાની નોકરી : કંપનીની આ નીતિ પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છેઃ પરંતુ તે સાચું છે

નવી દિલ્હી, તા.૨૨: નોકરીયાત લોકો માટે કામ પરથી રજા લેવી એકદમ મુશ્કેલ બની જાય છે. કેટલાકને અઠવાડિયામાં એક રજા લેવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ બોસ પાસે એક દિવસની રજા માટે જાવ તો ડર સાથે જવું પડે છે. જો કે હવે એક કંપનીએ પોતાની પોલિસીમાં ફેરફાર કરીને પોતાના કર્મચારીઓને ભરપૂર રજાઓ મળી શકે તેવી સુવિધાઓ આપી રહી છે.

૩૬૫ દિવસની રજાઃ કંપની પોતાના કર્મચારીઓને એક કે બે નહીં પરંતુ પૂરા ૩૬૫ દિવસની સવેતન રજા આપી રહી છે. કંપનીની આ નીતિ પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ તે સાચું છે. મીશો નામની કંપની હવે તેના કર્મચારીઓ માટે આખું વર્ષ સવેતન રજાની પોલિસી લઈને આવી છે.

શું મીશોની નવી પોલિસીઃ મીશોએ તેના કર્મચારીઓ માટે મીકેર નામની નવી નીતિ શરૂ કરી છે. આ પોલિસી હેઠળ કર્મચારીઓ એક વર્ષ અથવા ૩૬૫ દિવસની પેઈડ લીવનો લાભ લઈ શકે છે. આ રજાઓ મેડિકલ ઉપરાંત નોન મેડિકલ કારણોસર પણ લઈ શકાય છે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર કર્મચારીઓ પોતાના પેશનને આગળ વધારવા માટે પણ સમય કાઢી શકે છે.

અપ્રેઝલની સુવિધા પણ મળશેઃ ઇટીએ મિશોના સીઆરઓ આશિષ કુમાર સિંહને ટાંકીને જણાવ્યું છે કે, કંપની મોટી સંખ્યામાં લોકો આ પોલિસીનો લાભ લે તેવી અપેક્ષા રાખતી નથી. આ સાથે જ પેઈડ લીવ લેનાર કર્મચારી પણ અપ્રેઝલ સાઈકલનો ભાગ બની શકશે. રજા પરથી પરત ફર્યા બાદ કર્મચારીઓ અગાઉની સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં પાછા કામ કરી શકશે.

શું છે આ પોલિસીની ફાયદા?

 પોતાની બીમારીને કારણે રજા લેવામાં આવશે તો કંપની તરફથી પૂરો પગાર આપવામાં આવશે.

 પરિવારના કોઈ સભ્યને બીમારીના કારણે રજા આપવામાં આવે તો તેમને ત્રણ મહિનાના સમયગાળા માટે ૨૫ ટકા વળતર મળશે.

 પ્રોવિડન્ટ ફંડ, ઇન્શ્યોરન્સ વગેરે જેવા લાભ આપવામાં આવશે.

 નોન-મેડિકલ હેતુ માટે રજા લેવામાં આવે તો પગાર ચૂકવવામાં આવશે નહીં.

(12:09 pm IST)