Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મહારાષ્ટ્ર સંકટ વચ્‍ચે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો : સી.આર. પાટીલ અને ઇન્‍ચાર્જ કમિશ્નર ધારાસભ્‍યોને ટોર્ચર કરી રહ્‍યાનો લગાવ્‍યો આરોપ

ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદ સંબોધી આરોપ લગાવતા કહ્‍યુ - પાટીલ અને કમિશ્નરે બે જેટલા ધારાસભ્‍યોને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાવી પરાણે ઘેનનાં ઇન્‍જેક્‍શન અપાવ્‍યા

અમદાવાદઃ મહરાષ્ટ્ર સરકાર પર સંકટનાં વાદળો છવાયા છે. જે વચ્‍ચે રાજનીતિની વહેતી ગંગામાં આપનાં ગોપાલ ઈટાલિયાએ પણ હાથ ધોયા છે. ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી પાટીલ પર આરોપ લગાવતા કહ્‍યુ હતુ કે, સી.આર. પાટીલ અને ઈન્‍ચાર્જ પોલીસ કમિશ્નર ધારાસભ્‍યોને ટોર્ચર કરી રહ્‍યા છે. જેનાથી કંટાળી બે ધારાસભ્‍યોએ બળવો કરતા તેમને સિવીલમાં લઈ જઈ પરાણે ઘેનનાં ઇન્‍જેક્‍શન અપાયા હતા. તેવુ ગોપાલ ઈટાલિયાએ કહ્‍યુ હતુ.

મહારાષ્ટ્ર સરકાર સંકટમાં જોવા મળી રહી છે. વિધાનપરિષદની ચૂંટણી બાદ શિવસેનાના 30 થી વધારે ધારાસભ્યો સુરત એક હોટલમાં ગુપ્તવાસમાં છે, જેમાં શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. હાલ તો સુરતની જે હોટલમાં જ્યાં તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો ભાજપ અને શિવસેના વચ્ચે રાજકીય રોટલો શેકાઇ રહ્યો છે. તેવામાં રાજનીતિની વહેતી ગંગામાં હાથ ધોવા માટે આપ પણ કુદી પડ્યું છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ સંબોધિત કરીને મહારાષ્ટ્ર સરકારમાં થઇ રહેલા ઉથલપાથલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટીજીબી હોટલમાં આ તમામ ધારાસભ્યો રોકાયેલા છે. કાલે રાત્રે જ કમિશ્નર સાથે સી.આર પાટીલે સીધી વાત કરીને તમામ ધારાસભ્યોને હોટલમાં જ ટોર્ચર કરવામાં આવ્યા છે. તે પૈકી 2-3 ધારાસભ્યોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ક્રાઇમબ્રાંચે નવસારીથી બંન્ને ધારાસભ્યોને ઝડપી લીધા હતા. એક બે ધારાસભ્યોને સિવિલ હોસ્પિટલ લઇ જઇને પરાણે ઘેનના ઇન્જેક્શન અપાયા હતા. આ પ્રકારે સી.આર પાટીલ અને ઇન્ચાર્જ કમિશ્નરે આખી રાત ધારાસભ્યોને ખુબ જ ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ માટે જો હોટલ અને સિવિલના સીસીટીવી ચેક કરવામાં આવે તો દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ જશે.

આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે સી.આર પાટીલ દ્વારા અમારા આપના કાર્યકર્તાને બોલાવીને પણ ધમકાવવામાં આવ્યા હતા. વ્હોટ્સએપ કોલ દ્વારા અમારા કાર્યકર્તાને તમામ પોસ્ટર ઉતારી લેવા માટેની ધમકી પણ આપવામાં આવી હતી. ઇટાલિયાએ માંગ કરી કે, સી.આર પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને પાટીલની ધરપકડ કરવામાં આવે. તેઓ દ્વારા અમારા કાર્યકર્તાઓને ધમકાવવામાં આવી રહ્યા છે તે કોઇ પણ રીતે યોગ્ય નથી. આ લોકશાહી છે કે ઇજારાશાહી તે ખબર નથી પડતી.

(5:30 pm IST)