Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જીએસટી રેટમાં ફેરફાર કરતાં પૂર્વે વેપારી સાથે મંત્રણા કરવા કેટની માગ

ચંદીગઢમાં ૨૮-૨૯ જૂને જીએસટી કાઉન્સિલની બેઠક : મંત્રી મંડળની ઘણી વસ્તુઓ પરની જીએસટી મુક્તને સમાપ્ત કરવી અને જીએસટી રેટમાં વધારો કરવાની ભલામણો એકતરફી હોવાનો વેપારી સંગઠનનો અભિપ્રાય

નવી દિલ્હી,તા.૨૨ : જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૨૮ અને ૨૯ જૂને ચંડીગઢ ખાતે યોજાનાર છે. આ બેઠકની પહેલા વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) સરકારને આગ્રહ કર્યો છે કે જીએસટી રેટમાં કોઇ પણ પ્રકારના ફેરફાર પહેલા વેપારીઓ સાથે ચર્ચા-મંત્રણા કરે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લે.

કેટ એ જણાવ્યુ કે, જીએસટી મુદ્દે મંત્રીમંડળના સમૂહ દ્વારા સૂચવેલી ભલામણોને જીએસટી કાઉન્સિલની આગામી ૨૮-૨૯ની જૂને ચંડીગઢ ખાતે યોજાનાર મિટિંગમાં લાગુ કરતા પહેલા વેપારી સાથે ચર્ચા-મંત્રણા કરવામાં આવે તેવો આગ્રહ નાણાંપ્રધાન નિર્મલા સિતારમન સમક્ષ રજૂ કર્યો છે. વેપારી સંગઠને ભારપૂર્વક ભલામણ કરી છે કે, નોન- બ્રાન્ડેડ ફૂડ આઇટમને કર મુક્ત રાખવી જોઇએ અને કોઇ પણ સ્થિતિમાં તેને પાંચ ટકાના જીએસટી સ્લેબમાં લાવવી જોઇએ નહીં  

કેટે જણાવ્યુ કે, ટેક્સટાઇલ અને ફુટવેરને પાંચ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવો જોઇએ. રોટી, કપડાં અને મકાન એ માણસની જીવન જરૂરી ચીજો છે અને જો તેના ભારે ભરખમ ટેક્સ લાદવામાં આવશે તો તેનો સીધો માર ભારતની ૧૩૦ કરોડ જનાત પર પડશે જેઓ પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સામાન્ય વ્યક્તિઓની કમાણી – આવક ઘટી રહી છે જ્યારે બીજી બાજુ ખર્ચાઓ દિવસને દિવસે વધી રહ્યા છે.

વેપાર સંગઠને કહ્યુ કે, જીએસટી ક્લેક્શનમાં દર મહિને સતત વધારો થઇ રહ્યો છે ત્યારે એવી સ્થિતિમાં કોઇ પણ વસ્તુ પરના જીએસટીમાં વધારો કરવો એ યોગ્ય નથી. હાલની પરિસ્થિતિમાં જીએસટી ટેક્સ એક્ટ અને નિયમોની નવેસરથી સમીક્ષા થવી જોઇએ એ હાલના સમયની જરૂરિયાત છે અને જ્યાં કાયદા તેમજ નિયમોમાં ફેરફાર થાય ત્યાં ટેક્સ રેટમાં વિસંગતતાને દૂર કરવી જોઇએ.

તેમણે કહ્યુ કે, મંત્રીમંડળની ઘણી વસ્તુઓ પરની જીએસટી મુક્તને સમાપ્ત કરવી અને જીએસટી રેટમાં વધારો કરવાની ભલામણો એકતરફી છે. જીએસટી મામલે માત્ર રાજ્ય સરકારના મંત્રીઓની વાત સાંભળવામાં આવે છે જ્યારે વેપારીઓ સાથે કોઇ ચર્ચા કરાતી નથી. કોઇ પણ એકતરફી નિર્ણય કેન્દ્ર સરકારના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા પાર્ટીસિપેટરી ગવર્નન્સની વિરુદ્ધ હશે.

(7:49 pm IST)