Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રાત્રે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખાલી કર્યું સીએમ હાઉસ: વર્ષાથી પોતાના નિવાસ સ્થાન માતોશ્રી શિફ્ટ થયા

મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉમટ્યા : ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેના વિચાર આધારિત છે. શિવસેનાએ હિન્દુત્વને તરછોડ્યુ નથી. હિન્દુત્વ શિવસેનાની ઘડકન છે

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો તેમની પાસે આવશે અને તેમને પૂછશે તો તેઓ રાજીનામું આપી દેશે. જો કે આ દરમ્યાન મોડી રાત્રે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સીએમ હાઉસ વર્ષાથી પોતાના સત્તાવાર નિવાસ સ્થાન માતોશ્રી  શિફ્ટ થઈ રહ્યા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર છે.

આ પૂર્વે મહારાષ્ટ્રમાં સર્જાયેલ રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રની પ્રજાને સંબોધન કર્યુ હતું. ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેના વિચાર આધારિત છે. શિવસેનાએ હિન્દુત્વને તરછોડ્યુ નથી. હિન્દુત્વ શિવસેનાની ઘડકન છે. તેમણે એમ પણ કહ્યુ કે, તેઓ રાજીનામુ આપવા તૈયાર છે. ગૌહાટી ગયેલા ધારાસભ્યો આવીને મારુ રાજીનામુ લઈને રાજ્યપાલને આપી શકે છે. હુ રાજીનામુ આપીને માતોશ્રી જતો રહીશ. પરંતુ શિવસેનાના સૈનિકોને કોઈ દગો ના આપે.

સીએમ ઉદ્ધવે કહ્યું કે પદ લેવા પાછળ માત્ર સ્વાર્થ નથી. રાજકારણ કોઈ પણ વળાંક લઈ શકે છે. મારા જ લોકો મને મુખ્યપ્રધાન પદ પર નથી ઈચ્છતા, તો હું શું કરી શકું ? જો તમે આ જ કહેવા માંગતા હતા તો મારી સામે બોલવામાં શું નુકસાન હતું. આ માટે સુરત જવાની શું જરૂર હતી ? જો તમે ઈચ્છો છો કે હું મુખ્યપ્રધાન ન બનું તો તે સારું છે. જો આમાંથી એક પણ ધારાસભ્ય મારી સામે આવીને કહે તો હું આજે રાજીનામું આપવા તૈયાર છું.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું મારું રાજીનામું તૈયાર રાખું છું. જે ધારાસભ્ય મને રાજીનામું આપવા માંગે છે તેમણે આવીને મને જણાવવું જોઈએ. હું તેમના હાથમાં રાજીનામું આપીશ. આ મારી મજબૂરી નથી. આવા અનેક પડકારો આવ્યા છે અને અમે તેનો સામનો કર્યો છે. શિવસૈનિકો મને દગો ન આપો. જો મારા પછી શિવસૈનિક મુખ્યમંત્રી બને તો હું આ ઈચ્છું છું.

(10:26 pm IST)