Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

NIAને મોટી સફળતા:રોહિંગ્યા મુસ્લિમોઓને નકલી દસ્તાવેજો સાથે ભારતમાં ધુસણખોરી કરાવનાર વ્યક્તિની કરી ધરપકડ

NIAએ નકલી દસ્તાવેજો દ્વારા ભારતના વિવિધ ભાગોમાં તેમને સ્થાયી કરવાના કાવતરાના સંબંધમાં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી મ્યાનમારના રહેવાસી માજિદ ઉલ્લાહની ધરપકડ કરી

નવી દિલ્હી :નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બાંગ્લાદેશી મુસ્લિમો અને રોહિંગ્યાઓની ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને નકલી દસ્તાવેજો દ્વારા ભારતના વિવિધ ભાગોમાં તેમને સ્થાયી કરવાના કાવતરાના સંબંધમાં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી મ્યાનમારના રહેવાસી માજિદ ઉલ્લાહની ધરપકડ કરી છે.  માજિદ ઉલ્લાહ પર રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમોને ગેરકાયદેસર રીતે ભારતમાં વિવિધ સ્થળોએ લાવવાનો આરોપ છે.

NIAના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે NIAએ બાંગ્લાદેશી મુસ્લિમો અને રોહિંગ્યાઓને નકલી દસ્તાવેજો બનાવીને ભારતના અલગ-અલગ ભાગોમાં ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં લાવવા અને તેમને સ્થાયી કરવા બદલ કેસ નોંધ્યો છે. NIA દ્વારા 27 ડિસેમ્બર 2021ના રોજ આ મામલાની નોંધ લેવામાં આવી હતી. આ કેસમાં એજન્સીએ 4 જૂન, 2022ના રોજ સ્પેશિયલ કોર્ટ સમક્ષ છ આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કરી હતી.

NIAને માહિતી મળી હતી કે આ દાણચોરી સાથે સંકળાયેલા કેટલાક લોકો ઉત્તર પ્રદેશના અલગ-અલગ સ્થળોએ છુપાયેલા છે. માહિતીના આધારે NIAએ આજે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં એજન્સીનો દાવો છે કે આ દરોડા દરમિયાન અનેક ડિજિટલ ઉપકરણોમાંથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ, મેમરી કાર્ડ સહિત અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે.

ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન એજન્સીને એ પણ જાણવા મળ્યું કે મ્યાનમારના રહેવાસી હબીબુલ્લાહનો પુત્ર માજિદ ઉલ્લાહ સબિલા પોસ્ટ મંગુ અરકાન મ્યાનમારનો રહેવાસી પણ આ ષડયંત્રમાં સામેલ છે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશમાં જ છુપાયેલો હોવાની પણ માહિતી મળી હતી.  આજના દરોડા દરમિયાન જ્યારે સહારનપુરના દેવબંદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે માજિદ ઉલ્લા નામનો વ્યક્તિ ત્યાં છુપાયેલો જોવા મળ્યો હતો.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન NIAએ માજિદ ઉલ્લાહની ધરપકડ કરી હતી. તેને ટૂંક સમયમાં સ્પેશિયલ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ પર લેવામાં આવશે. માજિદ ઉલ્લાહ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેણે નકલી દસ્તાવેજોની મદદથી આ વિદેશીઓને દેશના કયા ભાગોમાં સ્થાયી કર્યા છે. આ સાથે તેને એ પણ પૂછવામાં આવશે કે તેની ગેંગમાં કેટલા લોકો સામેલ છે અને આ ગેંગ કેવી રીતે કામ કરે છે. આ મામલે તપાસ ચાલી રહી છે

(10:29 pm IST)