Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

તાલિબાનનો કેટલાક વિસ્તારો પર કબ્જો: અફઘાનિસ્તાનને ભારતથી આશા: સેના પ્રમુખ આવતા વીકમાં આવશે ભારત

આર્મી ચીફ જનરલ નરવણે તેમજ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેના પરત ફરતાની સાથે જ તાલિબાન અને અફઘાન સેના વચ્ચે જંગ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન તાલિબાન દ્વારા કેટલાક વિસ્તારો પર કબ્જો પણ કરવામાં આવ્યો છે.

આ સંજોગોમાં અફઘાનિસ્તાનને ભારત પાસેથી આશા છે. અફઘાન સેનાના પ્રમુખ જનરલ વલી મહોમ્મદ અહમજઈ આગામી સપ્તાહે ભારત આવી રહ્યા છે અને તેઓ આર્મી ચીફ જનરલ નરવણે તેમજ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે. સ્વાભાવિક રીતે જ આ મુલાકાત પાછળનો હેતુ તાલિબાનો પર કેવી રીતે લગામ કસી શકાય તે હશે.

અફઘાનિસ્તાન અને ભારતના ટોચના સુરક્ષા અધિકારીઓ વચ્ચેની મુલાકાત ભારે મહત્વની મનાઈ રહી છે. ખાસ કરીને પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યુ હોવાનુ કહેવાઈ રહ્યુ છે અને અફઘાનિસ્તાન તાલિબાન પર નિયંત્રણ મેળવવા માટે મથી રહ્યુ છે ત્યારે ભારત તરફથી અફઘાનિસ્તાનને કયા પ્રકારની મદદ કરવામાં આવે છે તે જોવાનુ મહત્વનુ રહેશે. બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા માટે આ મુલાકાતમાં ચર્ચા થવાની શક્યતા છે.

અફઘાન સેનાને ટ્રેન કરવામાં ભારતે મહત્વનો રોલ ભજવ્યો છે. હાલમાં પૂણેની નેશનલ ડિફેન્સ એકેડમીમાં પણ 300 અફઘાની કેડેટસ ટ્રેનિંગ લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના આર્મી ચીફ તેમની સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. અફઘાનિસ્તાનના ઘાયલ સૈનિકોની સારવાર પણ ભારતમાં થઈ રહી છે.

ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલર કરતા વધારે રોકાણ કર્યુ છે. ભારતે સાત હેલિકોપ્ટર પણ અફઘાન સેનાને આપેલા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહરકાર અજીત ડોભાલને પાકિસ્તાન સાથે કામ પાર પાડવાનો અનુભવ છે ત્યારે તેઓ અફઘાન આર્મી ચીફને પણ કેટલાક સૂચનો આપી શકે છે.

અફઘાન આર્મી ચીફ ભારત પાસે મિલિટરી હાર્ડવેરની માંગણી કરે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. જેથી તેઓ તાલિબાનીઓનો મુકાબલો સારી રીતે કરી શકે

(12:13 am IST)