Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પ્લાનથી અમેરિકા પણ ચોંકી ગયું

યુદ્ઘ લડયા વિના જ અફઘાનિસ્તાન જીતવાની તૈયારીમાં તાલિબાન

તાલિબાન દિવસેને દિવસે અફદ્યાનિસ્તાનની નવી-નવી બોર્ડર પોસ્ટ પર કબજો જમાવી અફઘાન સેનાને પાછળ ધકેલતું જઈ રહ્યું છે : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ગયા બાદ તાલિબાન સ્ટ્રેટિજિક રીતે કબજો જમાવી રહ્યું છેઃ તાલિબાને પાકિસ્તાન, ઈરાન, તજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને જોડતા ઘણા મોટા હાઈવે અને બોર્ડરો પર કબજો કરી લીધો છે

કાબુલ, તા.૨૨: અફઘાનિસ્તાનથી અમેરિકાનું સૈન્ય પાછું ગયા બાદ તાલિબાનના આતંકવાદીઓ યુદ્ઘ લડ્યા વિના જ જીત મેળવવાની તૈયારીમાં છે. તાલિબાન હવે કાબુલની સરકારની સરખામણીમાં અફઘાનિસ્તાનની બોર્ડર પોસ્ટ પર ઘણું વધારે મજબૂત કબજો કરીને બેઠું છે. એવામાં આશંકા વ્યકત કરાઈ રહી છે કે, આ આતંકવાદી સંગઠન વધુ લડ્યા વિના દેશ પર સ્ટ્રેટેજિક રીતે કબજો જમાવવાની તૈયારીમાં છે. જે બોર્ડર પોસ્ટ પર તાલિબાનનું નિયંત્રણ છે, ત્યાં વેપાર રોકાઈ ગયા છે. એવામાં અફઘાન સરકારને રેવન્યુનું ભારે નુકસાન થઈ રહ્યું છે. તે ઉપરાતં આપૂર્તિમાં અડચણ ઊભી થવાથી રાજધાની કાબુલમાં ખાવા-પીવાની વસ્તુઓની પણ અછત થવા લાગી છે.

તાલિબાને પાકિસ્તાન, ઈરાન, તજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને જોડતા હેરાત, ફરહા, કંધાર, કુંદુજ, તખર અને બદખ્શાં પ્રાંતોમાં ઘણા મોટા હાઈ-વે અને બોર્ડર પર કબજો કરી લીધો છે. આ રસ્તાઓથી ૨.૯૦ અબજ ડોલરની આયાત-નિકાસ થાય છે. અફદ્યાનિસ્તાનની અશરફ ગની સરકાર હાલમાં નંગરહાર, પકત્યા, પકિતકા, ખોસ્ત અને નિમરોઝ પ્રાંતોમાં ઈરાન અને પાકિસ્તાન સરહદે પોસ્ટ પર કબજો કરી રાખ્યો છે. આ રસ્તાઓથી થતા વેપારની કુલ કિંમત ૨ અબજ ડોલરની આસપાસ છે. આતંકવાદીઓના આ પ્લાનથી અમેરિકા પણ ચોંકી ગયું છે. અમેરિકાની સેનાના ઘણા તજજ્ઞોએ પણ તાલિબાનની વધતી તાકાતને લઈને ચેતવણી આપી છે.

ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને સ્પર્શતી સરહદો પરની બે પોસ્ટ પર કબજો કરવા માટે ભયાનક લડાઈ ચાલી રહી છે. ચારે તરફથી જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાનની સરહદ પશ્ચિમમાં ઈરાન, પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન અને ઉત્ત્।રમાં તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તઝાકિસ્તાનને સ્પર્શે છે. પાકિસ્તાનના ઉત્ત્।ર ક્ષેત્રોની સાથે પૂર્વોત્તરમાં એક સાંકડી વખાન પટ્ટી અફદ્યાનિસ્તાનને ચીનના શિનજિયાંગ ઉઈગુર ક્ષેત્ર સાથે જોડે છે.

આ પડોશી દેશો જ અફદ્યાનિસ્તાનને દરિયા સુધી જવાનો રસ્તો પૂરો પાડે છે અને મોટાભાગના વેપારને સંભાળે છે. અફઘાનિસ્તાનના યુદ્ઘ પર નજર રાખી રહેલા તજજ્ઞોનું માનવું છે કે, તાલિબાન સ્ટ્રેટેજિક રીતે વહીવટ, યુદ્ઘ, ઉર્જા અને ભોજન સુદ્ઘાં માટે ઉપયોગ કરાતા અફદ્યાન સરકારના સંસાધનોને બંધ કરવા પર ઝડપથી કામ કરી રહ્યું છે. તાલિબાનના આતંકવાદીઓ રાજધાની કાબુલ સુધી પહોંચી ગયા છે. ઈદ-ઉલ-અજહાના એક દિવસ પહેલા કાબુલમાં રાષ્ટ્ર પ્રમુખની નમાજ પહેલા તાલિબાન મોટા પ્રમાણમાં રોકટમારો કર્યો હતો. અતિ સુરક્ષિત મનાતા ગ્રીન ઝોનમાં આ રોકેટો પડવાથી લોકોના મનમાં તાલિબાનોનો ડર પેસી ગયો છે.

એશિયા ટાઈમ્સે પાકિસ્તાનની બલૂચિસ્તાન પ્રાંતીય સરકારના પૂર્વ સલાહકાર જાન અચકઝઈને ટાંકીને દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનની અશરફ ગની સરકાર લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તાલિબાને સ્ટ્રેટેજિક રીતે મહત્વપૂર્ણ લાઈનો બંધ કરી દીધી છે. એટલું જ નહીં, સરહદો પર તાલિબાનનું નિયંત્રણ થવાથી આપૂર્તિ લાઈન પણ ઠપ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનનું શકિત સંતુલન ઝડપથી તાલિબાનના પક્ષમાં નમતું દેખાઈ રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે, જો તાલિબાન આક્રામક રીતે સરહદો પર કબજાના પ્રયાસો ચાલુ રાખશે તો રાજધાની કાબુલ અને અન્ય સરકાર નિયંત્રિત ક્ષેત્રોને ટૂંક સમયમાં જ ભોજન અને ઉર્જાની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે. તેમનું માનવું છે કે, તાલિબાન એક કુશળ રણનીતિ અંતર્ગત સરહદો પર કબજો કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય સરકારને વાસ્તવિક આત્મસર્પણ માટે મજબૂર કરવાનો છે.

તેમનું માનવું છે કે, તાલિબાન ટૂંક સમયમાં જ નિકાસ અને આયાત વસ્તુઓ પર ભારે ચાર્જ અને કરને જમા કરવાનું શરૂ કરી દેશે. ૧૯૯૦માં જયારે અફદ્યાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ હતું, ત્યારે પણ તેમણે એવું જ કર્યું હતું. તેનાથી તાલિબાનના રેવન્યુમાં વધારો થશે અને તે લાંબા સમય સુધી સરકાર સાથે યુદ્ઘ ચાલુ રાખી શકશે. એવામાં અફઘાન સેના અને સરકાર માટે તાલિબાનની આ રણનીતિ ઘણી ભારે પડવાની છે.

(10:34 am IST)