Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાષ્ટ્રીય પ્રકાશન સમૂહના કાર્યાલય અને રહેઠાણ પર આયકર વિભાગ-ઇડીના દરોડાથી ખળભળાટ

રાત્રે અઢી વાગ્યાથી કાર્યવાહીઃ જયપુર-અમદાવાદ-નોઇડા-મુંબઇ સહિતના શહેરોમાં ઓપરેશન : ૧૦૦ થી વધુ ઓફિસરો-કર્મચારીઓનો કાફલો દરોડામાં જોડાયોઃ મહત્વના દસ્તાવેજો જપ્ત

નવી દિલ્હી, તા.૨૨: આવકવેરા ખાતાએ પોતાના વાર્ષિક ટાર્ગેટ પૂરા કરવા માટે આળસ ખંખેરી છે અને એક રાષ્ટ્રીય પ્રકાશન સમૂહની ઓફિસો અને નિવાસે દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે વ્હેલી સવારથી જ આવકવેરા ખાતાની વિવિધ ટીમો આ પ્રકાશન સમૂહની દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે આવેલી ઓફિસો અને રહેણાંકોમાં તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રે અઢી વાગ્યાથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહિ ગ્રૃપના નોયડા, જયપુર અને અમદાવાદ કાર્યાલય ઉપર પણ કાર્યવાહી ચાલુ છે.

જાણવા મળે છે કે આવકવેરા ખાતાની આ સૌથી મોટી રેડ છે, કાર્યવાહી દરમ્યાન કાર્યાલયમાં મોજુદ કર્મચારીઓના ફોન જપ્ત કરાયા છે એટલું જ નહિ તેઓને બહાર પણ જવા દેવાયા નથી.

દેશના જાણીતા પ્રકાશન ગ્રુપ ઉપર આયકર ખાતાની કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.

એવું કહેવાય છે કે કોવિડ-૧૯ની બીજી લહેર દરમ્યાન આ પ્રકાશકે કેટલાક વાંધાજનક અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા જેની તેને સજા મળી રહી હોવાનું પ્રકાશન જગતમાં ચર્ચાઇ રહયું છે.

એવું પણ જાણવા મળે છે કે, આ ઓપરેશન આઇટી અને ઇડી બંનેનું સંયુકત ઓપરેશન છે જે અડધો ડઝન સ્થળે તપાસ કરી રહયું છે.

ઇડી, ઇન્કમટેક્ષ સાથે લોકલ પોલીસ પણ છે સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્હી અને મુંબઇની ટીમ દ્વારા સંચાલિત કરાઇ રહયું છે. દરોડાની કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ અધિકારી-કર્મચારી સામેલ છે. મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા હોવાનું પણ જાણવા મળે છે.

(11:06 am IST)