Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

૩૦ જુલાઇથી આકાશમાં ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કાવર્ષા શરૂ થશે : ૧૫ ઓગષ્ટ સુધી અદ્દભુત અવકાશી નજારો

રાજકોટ તા. ૨૨ : મે માસમાં ઇટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નિહાળ્યા બાદ હવે વિશ્વભરમાં ૩૦ જુલાઇથી ૧૫ મી ઓગષ્ટ સુધી ડેલ્ટા - એકવેરીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો આકાશમાં જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવેલ છે કે ૩૦ મી જુલાઇથી દરરોજ કલકાકની ૧૫ થી ૫૦ ઉલ્કા ખરતી જોવા મળશે. વધુમાં વધુ કયારે ૧૦૦ સુધી પણ દેખાશે. એટલે આકાશમાં ફટાકડાની આતશબાજી જેવા દ્રશ્યો સર્જાશે. ખાસ કરીને ૩૦ મીએ રાત્રીના ૧૦.૩૦ કલાકે મહતમ ઉલ્લકા જોવા મળશે. ત્યાર બાદ ૧૫ અને ૨૩ મી ઓગષ્ટના રોમાંચક દ્રશ્યો જોવા મળશે.

સૌરમંડળમાં એવા ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરેતના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુનું સતત વિસર્જન થતુ રહેતુ હોય છે. તેમાથી વિસર્જીત થયેલ પદાર્થો ધુમકેતુની દિશા જાળવી રાખે છે. દરેક ધુમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો આ રીતે છુટતો જાય છે. જયારે પૃથ્વી પર આ પદાર્થો વચ્ચેથી પસાર થાય છે. ત્યારે સાપેક્ષ વેગના કારણે સળગી ઉઠે છે. આવા તેજ લીસોટા અગ્નિ સ્વરૂપે દેખાય છે. તેને ઉલ્કા કહેવામાં આવે છે. ઉલ્કાઓને સ્પષ્ટ જોવા ૧૦*૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતુ દુરબીન ગોઠવી શકાય છે. ફાયરબોલ ફોટોગ્રાફી, ઇન્ટરનેટના સહયોગથી પણ ડીઝીટલ વિડીયોગ્રાફી કરી શકાય છે. રસ ધરાવતાઓ વધુ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકે છે.

(11:57 am IST)