Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

બીજેપીને સત્તા પરથી હટાવીશું નહીં ત્યાં સુધી 'ખેલા હોબે': મમતા

બંગાળનાં મુખ્ય પ્રધાને કહ્યું: મેં મારો ફોન પ્લાસ્ટરથી ઢાંકી દીધો છે

કોલકત્તા, તા.૨૨: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને હરાવ્યા બાદ મમતા બેનરજી આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા છે અને જીત બાદ તેઓ હવે બીજેપી સામે આક્રમક થઈને પ્રહાર કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ ૨૧ જુલાઈને શહીદ દિવસ તરીકે મનાવે છે. ત્યારે ગઈ કાલના શહીદ દિવસે સંબોધન કરતાં મમતા સરકારે બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે બીજેપી દેશને અંધકારમાં લઈ ગઈ છે, કેન્દ્રની સત્તાથી એને બહાર નહીં કરી દઈએ ત્યાં સુધી 'ખેલા હોબે'(હમ ખેલેંગે). આ સાથે જ મમતા બેનરજીએ ૧૬ ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી.

વર્ચ્યુઅલ સંબોધનમાં મમતા બેનરજીએ બીજેપી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આજે આપણી આઝાદી ખતરામાં છે. બીજેપીએ આપણી સ્વતંત્રતાને ખતરામાં નાખી દીધી છે. એ પોતાના જ પ્રધાનો પર ભરોસો કરતી નથી અને એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે. આપણા ફોન ટેપ કરાવે છે. પેગસસ જાસૂસી કાંડ ખતરનાક અને ક્રૂર છે. હું કોઈની સાથે વાત કરી શકતી નથી. તમે જાસૂસી માટે મોટી રકમ ખર્ચ કરી રહ્યા છો. મેં એનાથી બચવા માટે મારા ફોનને પ્લાસ્ટરથી ઢાંકી દીધો છે. અને આ જ રીતે આપણે કેન્દ્રને પણ ઢાંકી દેવાનું છે નહીંતર દેશ બરબાદ થઈ જશે.

(2:54 pm IST)