Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

લોકસભા અને રાજયસભામાં વિપક્ષનો ભારે હોબાળોઃ કાર્યવાહી સ્થગિત

ખેડૂત અને ફોન ટેપીંગ મામલે

નવી દિલ્હી, તા.૨૨: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત ગુરૂવારના ભારે હોબાળા સાથે શરૂ થઈ. સભ્યોના સતત હોબાળાના કારણે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી ગુરૂવારના ૪ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. લોકસભાની કાર્યવાહી દરમિયાન ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાના મુદ્દા પર વિપક્ષના સાંસદોએ હોબાળો કર્યો. સ્પીકર ઓમ બરિલાએ વિપક્ષને હોબાળાને અયોગ્ય ગણાવતા કહ્યું કે, સદનની મર્યાદાઓ જાળવી રાખવાની પણ જવાબદારી છે.

તેમણે કહ્યું કે, લોકશાહીને સશકત બનાવવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે. જનતાએ આપણને કકળાટ કરવા અને પોસ્ટર બતાવવા માટે નથી મોકલ્યા. તેમણે સાંસદોને અપીલ કરી કે તમે ગૃહના માધ્યમથી સરકાર સુધી જનતાની સમસ્યાઓ પહોંચાડો. ત્યારબાદ પણ હોબાળો ચાલું રહ્યો. આને જોતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. ૧૨ વાગ્યે જયારે કાર્યવાહી શરૂ કરવામાં આવે તો ફરી વિપક્ષનો હોબાળો શરૂ થયો અને કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. પછી હોબાળો થતા બેઠક ૪ સુધી મોકુફ રહી હતી.

બીજી તરફ ૧૧ વાગ્યે રાજયસભાની કાર્યાવાહી શરૂ થતા જ સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો. સભાપતિ વેંકૈયા નાયડૂએ વિપક્ષી સભ્યોને પોતાની સીટ પર પાછા બેસવા કહ્યું અને પોસ્ટર ના બતાવવાની અપીલ કરી, પરંતુ આની અસર ના થઈ. સભ્યોના હોબાળાના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. બપોરે ૧૨ વાગ્યે જયારે રાજયસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો પ્રશ્નકાળ દરમિયાન પણ હોબાળો થયો. આ કારણે બપોરે ૨ વાગ્યા સુધી રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

(11:41 pm IST)