Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જ્‍યારે સરકાર કલમ અને કેમેરાથી આટલી ડરી જાય છે ત્‍યારે આવી સરકારનુ પતન નિશ્ચિત હોય છેઃ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાનું ટ્‍વીટઃ મમતા બેનરજીએ પણ રોષ ઠાલવ્‍યો

સંસદના બન્ને ગૃહમાં મિડીયા જુથ ઉપરના ઈન્‍કમટેક્ષ દરોડાને લઈને હોબાળો

નવી દિલ્હી: ઇન્કમટેક્સ વિભાગે ટેક્સ ચોરીના આરોપમાં મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના વિવિધ શહેરોમાં સ્થિત ઠેકાણા પર રેડ કરી હતી. રેડ ભોપાલ, અમદાવાદ અને કેટલાક અન્ય સ્થળો પર કરવામાં આવી છે. રેડને લઇને વિપક્ષ સરકાર વિરૂદ્ધ એકજૂટ થઇ ગયુ છે. પહેલા રાજ્યસભામાં મુદ્દા પર વિવાદ થયો હતો અને પછી ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યુ કે ભાસ્કરની સાથે સાથે હવે ભારત સમાચાર ચેનલના મુખ્ય એડિટર અને સીનિયર પત્રકાર, બ્રિજેશ મિશ્રાના ઘરે ઇન્કમટેક્સ રેડ થઇ રહી છે. જ્યારે સરકાર કલમ અને કેમેરાથી આટલી ડરી જાય તો આવી સરકારનું પતન નિશ્ચિત છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યુ, પત્રકારિતા પર મોદી-શાહના પ્રહાર!! મોદી શાહનો એકમાત્ર હથિયાર આઇટી, ઇડી, સીબીઆઇ. મને વિશ્વાસ છે અગ્રવાલ બંધુ ડરશે નહી. દૈનિક ભાસ્કરના વિવિધ ઠેકાણા પર આયકર તપાસ શાખાની રેડ કાર્યવાહી શરૂ. પ્રેસ કોમ્પલેક્સ સહિત અડધા ડઝન સ્થળો પર હાજર છે ઇન્કમટેક્સની ટીમ.

બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ભાસ્કર અને ભારત સમાચાર ન્યૂઝ ચેનલના કાર્યાલયો પર આયકર વિભાગની રેડની ટિકા કરતા તેને કેન્દ્ર સરકાર દ્વારા મીડિયાને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ગહેલોતે ટ્વીટ કર્યુ, દૈનિક ભાસ્કર અખબાર અને ભારત સમાચાર ન્યૂઝ ચેનલના કાર્યાલયો પર ઇન્કમટેક્સની રેડ મીડિયાને દબાવવાનો એક પ્રયાસ છે. મોદી સરકાર પોતાની ટિકા સહન કરી શકતી નથી. ભાજપની ફાસીવાદી માનસિકતા છે જે લોકતંત્રમાં સત્યનો આઇનો બતાવવાનું પણ પસંદ નથી કરતી. આવી કાર્યવાહી કરી મોદી સરકાર મીડિયાને દબાવવાનો મેસેજ આપવા માંગે છે કે ગોદી મીડિયા નહી બને તો અવાજ કચડી નાખવામાં આવશે.

ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યુ, પત્રકાર અને મીડિયા ઘરાના પર હુમલો લોકતંત્રને કચડવાનો એક ક્રૂર પ્રયાસ છે. દૈનિક ભાસ્કરે બહાદુરીથી જણાવ્યુ કે કઇ રીતે નરેન્દ્ર મોદીજીએ કોવિડ સંકટને ખોટી રીતે સંભાળી અને એક ભયંકર મહામારી વચ્ચે દેશને તેના સૌથી ભયાનક દિવસમાં લઇ ગયા. હું આ પ્રતિશોધી કૃત્યની નિંદા કરૂ છુ, જેના ઉદ્દેશ્ય સત્યને સામે લાવનારા અવાજને દબાવવાનો છે.

(6:24 pm IST)