Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

કૃષિ સુધાર કાયદાની જે જોગવાઈઓ ઉપર આપત્તિ છે તે જણાવે સરકાર તેનુ સમાધાન કરશેઃ કેન્‍દ્ર સરકારના કૃષિમંત્રી નરેન્‍દ્રસિંહ તોમરે કહ્યુ કે ખેડૂતો સાથે વાતચીત કરીને સમાધાન કરીશુ

ખેડૂત આગેવાનો અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે વાતચીતની ફરી એક વખત આશા

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઇને ફરી એક વખત આશા જાગી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરી એક વખત કહ્યુ કે, સરકાર આંદોલનકારી ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર છે અને સરકાર ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરશે. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યુ કે જો ખેડૂત કાયદાને લઇને બિંદુવાર રીતે પોતાની સમસ્યા લઇને આવશે તો સરકાર ત્યારે તેમની સાથે વાત કરશે. કેન્દ્રીય મંત્રીનું નિવેદન તેવા સમયે આવ્યુ છે જ્યારે ખેડૂત સંગઠનોએ ગુરૂવારથી જંતર મંતર પર કિસાન સંસદ શરૂ કરી છે. કિસાન સંસદમાં દરરોજ 200 ખેડૂતો જંતર મંતર પર ભેગા થશે અને સાંસદોની જેમ બિલો પર ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ફરી એક વખત આશા કરવામાં આવી રહી છે કે મોદી સરકાર ખેડૂતો સાથે વાતચીત કરીને સમસ્યાનું સમાધાન કરશે.

કૃષિ મંત્રીએ સંસદ ભવન પરિસરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ, સરકાર આંદોલનકારી ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર છે. ખેડૂત સંગઠનોને કૃષિ સુધાર કાયદાની જે જોગવાઇઓ પર આપત્તિ છે તેને જણાવે, સરકાર તેનું સમાધાન કરશે, તેમણે કહ્યુ કે કૃષિ સુધાર કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને વ્યાપારીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા વધશે.

કૃષિ મંત્રીએ કહ્યુ, દેશે જોયુ છે કે કૃષિ કાયદા ફાયદાકારક છે અને ખેડૂતોના હિતમાં છે. અમે કાયદાને લઇને ચર્ચા કરી છે. જો ખેડૂત પોઇન્ટ વાઇઝ પોતાની સમસ્યા જણાવે તો અમે તેની પર ચર્ચા કરી શકીએ છીએ.

નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, સરકાર ખેડૂતોનું સમ્માન કરે છે અને તેમણે દરેક સંભવ સહાયતા આપી રહી છે. મહત્વપૂર્ણ છે કે ખેડૂત સંગઠન કૃષિ સુધાર કાયદાને પરત લેવાની માંગને લઇને દિલ્હીની સરહદો પર છેલ્લા આઠ મહિના કરતા વધુ સમયથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 11 તબક્કાની વાતચીત થઇ ચુકી છે પરંતુ કોઇ સમજૂતિ થઇ નથી.

(6:24 pm IST)