Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પેગાસસ પ્રકરણમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્‍ણવના પ્રવચન વખતે સંસદમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદોનો હંગામોઃ પાના ફાડીને સભાપતિ પાસે પહોંચી ગયા

બે મિનીટમાં કાર્યવાહી અટકાવી દઈને આવતીકાલ સુધી સ્‍થગિત

નવી દિલ્હી: ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસના 300 ભારતીયોની જાસૂસીના આરોપોને લઇને સંસદમાં વિવાદ થયો હતો. ગુરૂવારે જ્યારે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપવા માટે ઉભા થયા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. દરમિયાન તેમણે પાના પણ ફાડી નાખ્યા હતા અને સભાપતિના આસન પાસે ભેગા થઇ ગયા હતા. વિવાદ વચ્ચે કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

અલગ-અલગ મુદ્દા પર વિવિધ દળના સભ્યોના હંગામાને કારણે રાજ્યસભામાં કામકાજ થઇ શક્યુ નહતું. શૂન્યકાળ અને પ્રશ્નકાળ ચાલી શક્યા નહતા. સદનની કાર્યવાહી શરૂ થવાના કેટલીક વાર બાદ બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે જેવી સદનની કાર્યવાહી શરૂ થઇ ત્યારે ઉપસભાપતિ હરિવંશે પ્રશ્નકાળ માટે સભ્યનું નામ બોલ્યા હતા પરંતુ વિપક્ષી સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો.

ઉપસભાપતિએ કહ્યુ, પ્રશ્નકાળ સભ્યોના સવાલ માટે છેસવાલ જવાબ સભ્ય માટે ઘણા મહત્વપૂર્ણ છે..તમે સદન ચલાવવા નથી માંગતા..તમે પોત પોતાના સ્થાન પર જાઓ. તે બાદ પણ સભ્યોનો હંગામો ચાલુ રહ્યો હતો. સદનમાં વિવાદ શાંત ના પડતા સદનની કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સદનની બેઠક શરૂ થવા પર એમ વૈકેયા નાયડૂએ જરૂરી દસ્તાવેજ સદનમાં રખાવ્યા હતા. દરમિયાન કોંગ્રેસના સભ્ય દિગ્વિજય સિંહે મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના વિવિધ ઠેકાણા પર ઇન્મકટેક્સ વિભાગની રેડનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ કથિત જાસૂસી સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સભાપતિએ તેની પરવાનગી આપી નહતી અને કહ્યુ કે કોઇ પણ મુદ્દાને ઉઠાવવા માટે આસનની પરવાનગી જરૂરી હોય છે.

વચ્ચે અન્ય સભ્યોએ અલગ અલગ મુદ્દાને લઇને હંગામો શરૂ કર્યો હતો. કેટલાક સભ્ય પોતાના સ્થાનથી પણ આગળ આવી ગયા હતા. નાયડૂએ સભ્યોને પોતાના સ્થાન પર પરત ફરવા અને કાર્યવાહી ચાલવાની અપીલ કરી હતી. હંગામા વચ્ચે તેમણે કહ્યુ કે એવુ લાગે છે કે કેટલાક સભ્ય નથી ઇચ્છતા કે સદનમાં લોકો સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવે. સદનમાં વ્યવસ્થા કથળતા તેમણે બેઠક શરૂ થવાની બે મિનિટની અંદર કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

(6:29 pm IST)