Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વિશ્વની સૌથી મોટી તેલ ઉત્‍પાદક કંપની સાઉદી અરામકોનો ડેટા લીકઃ હેકરો દ્વારા પ કરોડ ડોલર એટલે કે ૩૭૩ કરોડની બળજબરીથી વસુલવાની માંગ

મે મહિનામાં અમેરિકાની કંપની કોલોનિયલ પાઇપ લાઇન ઉપર પણ સાઇબર હૂમલો થયો'તો

રિયાધ: વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકોનો કોઇ ઠેકેદાર દ્વારા કંપનીનો ડેટા લીક થયો છે. કહેવામાં આવ્યુ છે કે કથિત રીતે આ ફાઇલ (ડેટા)નો ઉપયોગ હવે કંપની પાસેથી પાંચ કરોડ ડૉલર એટલે કે લગભગ 373 કરોડ રૂપિયા બળજબરી વસૂલવામાં આવી રહ્યા છે.

સાઇબર સુરક્ષામાં રોકાણ ના કરવાને લઇને તેલ અને ગેસ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓની વૈશ્વિક સ્તર પર ટિકા થતી રહી છે. આ વર્ષે મેમાં, અમેરિકાની કંપની કોલોનિયલ પાઇપલાઇન પર પણ સાઇબર હુમલો થયો હતો, જે ઘણો ચર્ચામાં રહ્યો હતો.

તેલ ઉત્પાદક કંપની અરામકોએ જણાવ્યુ કે અમને તાજેતરમાં આ ડેટા ચોરીની ખબર પડી છે. એક થર્ડ પાર્ટી ઠેકેદાર દ્વારા અમારા ડેટાની ચોરી કરવામાં આવી છે.જોકે, કંપનીએ એમ નથી જણાવ્યુ કે ક્યા ઠેકેદાર દ્વારા કંપનીના ડેટા ચોરી થયો છે અને ના તો કંપનીએ તેના વિશે કોઇ જાણકારી આપી છે. શું સિસ્ટમ હેક કરવામાં આવી અથવા ફાઇલ ચોરી કરવા માટે કોઇ અન્ય રીત અપનાવવામાં આવી?

કંપનીનું કહેવુ છે કે અમે આ વાતની પૃષ્ટી કરી શકીએ છીએ કે ડેટા અમારી સિસ્ટમમાંથી ચોરી થયો નથી. અમારા સંચાલન પર પણ આ ડેટા લીકનો કોઇ પ્રભાવ પડ્યો નથી, કારણ કે અમે સાઇબર સિક્યુરિટી માટે એક મોટી વ્યવસ્થા બનાવેલી છે.

અમેરિકાની સમાચાર એજન્સી, એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, સાઉદી અરામકો કંપનીનો એક ટેરાબાઇટ એટલે કે એક હજાર ગીગાબાઇટ સાઇઝનો ડેટા બળજબરી વસૂલી કરનારાઓના હાથમાં લાગ્યો છે. ડાર્કનેટ પર તેમણે આ જાણકારી આપી છે.

એપીના રિપોર્ટ અનુસાર, બળજબરી વસૂલી કરનારાઓને અરામકોને ઓફર કરી છે કે તે પાંચ કરોડ ડૉલરના બદલામાં આ ડેટા ડિલીટ કરી દેશે. વસૂલી કરનારાઓએ આ રકમ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં માંગી છે. જોકે, આ હજુ સુધી સ્પષ્ટ નથી કે ખંડણીના ષડયંત્ર પાછળ કોનો હાથ છે.

જાણકારોની માનીએ તો તેલ અને ગેસ ઉત્પાદનના ક્ષેત્રની કંપનીઓ સાઇબર સિક્યુરિટી પર પૂરતા પૈસા ખર્ચ કરતી નથી જ્યારે વર્ષોથી તેના વિશે ચર્ચા થતી રહે છે અને કહેવામાં આવે છે કે આ કંપનીઓને સાઇબર હુમલાથી બચવા માટે બેસ્ટ સાઇબર સિક્યુરિટી વિશે વિચાર કરવો જોઇએ.

આ પ્રથમ વખત નથી જ્યારે અરામકોને સાઇબર હુમલાના નિશાન બનાવવામાં આવી છે. 2012માં પણ કંપનીના કોમ્યૂટર નેટવર્ક શૂમન વાયરસની ઝપટમાં આવ્યો હતો.

આ વર્ષે પણ જ્યારે અમેરિકાની કંપની કોલોનિયલ પાઇપલાઇન પર સાઇબર હુમલો તયો ત્યારે ઉર્જા ઉદ્યોગની કંપનીઓના કોમ્પ્યૂટર સિસ્ટમની નબળાઇ દુનિયા સામે આવી ગઇ હતી.

અરામકો સૌથી મોટી શેર ધારક સાઉદી અરબની સરકાર છે. કંપનીએ આ વર્ષે માર્ચમાં પોતાના એક નિવેદનમાં કહ્યુ હતું કે તાજેતરના ઇતિહાસમાં આ કંપી માટે સૌથી પડકારજનક વર્ષમાંથી એક હતું. કંપની અનુસાર, વર્ષ 2019માં અરામકોને જેટલી કમાણી થઇ હતી, તેની તુલનામાં ગત વર્ષે એટલે કે 2020માં 45 ટકાનું નુકસાન થયુ હતું.

ગત વર્ષે કોરોના મહામારીને રોકવા માટે વિશ્વભરમાં જે રીતના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા તેને કારણે ઉદ્યોગ બંધ થઇ ગયો હતો. લોકોનો પ્રવાસ બંધ થઇ ગયો હતો અને દરરોજની જિંદગીની કેટલીક ગતિવિધિ રોકાઇ ગઇ હતી. આ બધાની અસર તેલ અને ઉર્જાની માંગ પર પડી હતી અને તેલની કિંમતમાં પાંચ ઘણા સુધી ઘટાડો થયો હતો.

(6:51 pm IST)