Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

નવજોતસિંહ સિદ્ધૂની તાજપોશીમાં ઉપસ્થિત રહેશે કેપ્ટન અમરિંદરસિંહ ! : આમંત્રણ સ્વીકાર્યાનો દાવો

પંજાબ કોંગ્રેસ કમિટીના વર્કિગ પ્રેસિડેન્ટ કુલજીત નાગરા અને સંગત સિંહ ગિલજિંયાએ મોહાલીના સિસવાં સ્થિત કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી

ચંદીગઢ :પંજાબમાં નવજોત સિંહ સિદ્ધૂની તાજપોશી કાર્યક્રમમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ હાઇકમાન્ડે લાંબા સમય સુધી ચાલી રહેલા વિવાદ બાદ નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસની કમાન સોપી હતી. કેપ્ટન અમરિંદર સિંહ સતત તેનો વિરોધ કરતા રહ્યા હતા.

પંજાબ કોંગ્રેસ કમિટીના વર્કિગ પ્રેસિડેન્ટ કુલજીત નાગરા અને સંગત સિંહ ગિલજિંયાએ મોહાલીના સિસવાં સ્થિત કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસમાં તેમની સાથે મુલાકાત કરી હતી.બન્નેએ કેપ્ટન અમરિંદર સિંહને નવજોત સિંહગ સિદ્ધૂનું સાઇન કરેલુ ઇન્વિટેશન લેટર સોપ્યો હતો અને તે બાદ તેમણે દાવો કર્યો કે કેપ્ટન અમરિંદર સિંહે વિશ્વાસ અપાવ્યો છે કે તે નવજોત સિંહ સિદ્ધૂની તાજપોશીના શુક્રવારે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેશે. કેપ્ટનનું આમંત્રણ સ્વીકાર કર્યા બાદ હવે સવાલ ઉભા થવા લાગ્યા છે કે શું હવે સીએમ અને સિદ્ધૂનો ટકરાવ હલ થશે?

નવજોત સિંહ સિદ્ધૂની તાજપોશીનો કાર્યક્રમ કાલ સવારે 11 વાગ્યે યોજાશે, જેમાં સુનીલ જાખડ નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદની કમાન સોપશે.

આ પહેલા, પંજાબના કેબિનેટ મંત્રી અને નવજોત સિંહ સિદ્ધૂ જૂથના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે સિદ્ધૂની તાજપોશીને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શુક્રવારે 11 વાગ્યે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધૂ પોતાનો કાર્યભાર સંભાળશે.

આ દરમિયાન પૂર્વ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ તેમણે ખુરશી પર બેસાડશે અને કોંગ્રેસના તમામ નેતાઓ, ધારાસભ્ય અને મંત્રીઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવ્યુ છે અને કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત અને અન્ય કેટલાક નેતા દિલ્હીથી ચંદીગઢ આવીને આ કાર્યક્રમમાં સામેલ થશે.

સુખજિંદર રંધાવાએ એમ પણ કહ્યુ કે આ કાર્યક્રમ કોઇ શક્તિ પ્રદર્શન નથી અને તમામ કોંગ્રેસી નેતા એકજૂટ થઇને આ કાર્યક્રમમાં સામેલ થશે. કેપ્ટન અમરિંદર સિંહ પણ અમારા સમ્માનીય નેતા છે અને તે પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

(7:15 pm IST)