Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પુરથી ભારે હાલાકી : કોંકણ ટ્રેન સેવા ખોરવાઈ : 6 હજાર યાત્રી ફસાયા

-અનેક વિસ્તારો જળમગ્ન : રેસ્ક્યૂ ઓપરેશન માટે પ્રશાસને એનડીઆરએફની ટીમોને લગાવી દીધી

મુંબઈ : મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થવાથી લગભગ 6000 યાત્રી ફસાઈ ગયા. તેના પાછળનું કારણ નદીમાં વરસાદના કારણે પુર આવવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, આખા રાજ્યોમાં અનેક જિલ્લાઓ હાલના સમયમાં વરસાદ અને પુરથી પ્રભાવિત છે. વરસાદથી મુંબઈ સહિત રાજ્યયના અનેક ભાગોના રોડ માર્ગ અને રેલવે સેવાઓ ઠપ થઈ ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે પ્રશાસને એનડીઆરએફની ટીમોને લગાવી દીધી છે.

અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધી કોંકણ રેલવે (કેઆર) માર્ગ પર સેવાઓ પ્રભાવિત થવાના કારણે નવ ટ્રેનોને રેગ્યુલેટ કરવામાં આવી છે, જેનો અર્થ તે કે તેમને બીજા રૂટ પર મોકલામાં આવી હોય અથવા રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે કોંકણ વિસ્તારના રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં આવેલી મુખ્ય નદીઓ સતત વરસી રહેલા વરસાદના કારણે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને સરકારી તંત્ર અનેક પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બંને કાંઠાના જિલ્લામાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન ઠાકરેએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ (આઈએમડી) એ આગામી ત્રણ દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમણે અધિકારીઓને સચેત રહેવા અને વહેતી નદીઓના સ્તર પર નજર રાખવા અને રહેવાસીઓને સલામત સ્થળોએ ખસેડવા જણાવ્યું હતું.

કોંકણ રેલવે અધિકારીઓએ કહ્યું કે ફસાયેલી ટ્રેનો વિભિન્ન સ્ટેશનો પર સુરક્ષિત સ્થાનો પર છે અને તેમાં સવાર મુસાફરો પણ સુરક્ષિત છે. ટ્રેનમાં સવાર યાત્રીઓને ખાવા અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, ભારે વરસાદ પછી રત્નાગિરીમાં ચિપલૂન અને કામઠે સ્ટેશનો વચ્ચે વશિષ્ઠ નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.

(11:07 pm IST)