Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

GST :કરવેરા ચુકવણીમાં વિલંબ બદલ વસૂલાતું ૧૮ ટકા વ્યાજ ઘટાડવા માગણી

આર્થિક સંકટમાં ઘેરાયેલા વેપારીઓને આ પ્રકારે વ્યાજમાં રાહત આપવાની તાતી જરૂર છે

નવી દિલ્હી, તા.૨૨: કોરોનાની મહામારીને કારણે લોકડાઉન અમલી બનવાને કારણે વેપાર-ઉદ્યોગને ભારે ફટકો પડયો છે. વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ હોવાની બાબતને ધ્યાનમાં લેતાં કરવેરાની ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે તે ઘટાડીને ૮થી ૧૨ ટકા કરવા તેમજ GSTના પ્રક્રિયા વધુ સરળ બનાવવા કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. GST-૩મ્ ફોર્મ ભરવાની તારીખને બદલે ચલણની તારીખને ચુકવણી તારીખ ગણવા તેમજ રિફંડના પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે રજૂઆત કરાઈ છે. લોકડાઉનમાં નાણાકીય તેમજ અન્ય વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા અને બજારમાં લિકિવડિટી ન હોવાથી વેપારીઓના પેમેન્ટ ફસાઈ ગયા હતા. લોકડાઉનને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોવાથી તેમજ માલસામાનના સપ્લાય અને વેચાણ તેમજ પેમેન્ટ સાઇકલ ખોરવાઈ ગઈ હોવાથી નિયમિત રીતે નાણાં મળતા નથી. ખરીદ-વેચાણના વ્યવહારોમાં ૯૦ દિવસની ક્રેડિટ સાઇકલ હોય છે અને કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં જળવાઈ શકતી નથી. આ સંજોગોમાં કરવેરાની ચુકવણીમાં વિલંબ માટે ૧૮ ટકા વ્યાજ લાગુ કરવાથી વેપારીઓ પર ટેકસનું ભારણ ખૂબ વધી જતું હોવાથી તે વ્યાજ ઘટાડવા માગણી કરાઈ છે. આર્થિક સંકટમાં ઘેરાયેલા વેપારીઓને આ પ્રકારે વ્યાજમાં રાહત આપવાની તાતી જરૂર છે.

(11:21 am IST)