Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ફિકસ ડીપોઝીટ પર બેંકો વ્યાજ આપતી હોવા છતાં થાપણદારોને નુકસાન

બેંકમાં જમા રૂપિયા પર વાર્ષિક ૪૦ હજારથી વધુ વ્યાજની આવક થાય તો તેના પર ડીટીએસ કાપી લેવામાં આવે છે : એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ વ્યાજની આવક પર ડીટીએસ કાપવાના નિયમમાં ફેરવિચારણા કરવા કહ્યુ઼

મુંબઈ,તા.૨૨: બેંકોમાં જમા ફીકસ પર રોકાણકારોને નકારાત્મક રિટર્ન મળી રહ્યું છે. એટલે કે વ્યાજ મળવા છતાં તેઓને નુકશાન ઉઠાવવું પડે છે. તેથી સરકારે વ્યાજ આવક પર વસુલાતા ટેક્ષ અંગે ફેરવિચારણા કરવી જોઇએ.

બેંકો ખાતાધારકોને તેમના જમા રૂપિયા પર દર વ્યાજ આપે છે અને એટલે જ લોકો બેંકોમાં એફડી કરાવવા આકર્ષાતા હોય છે. જોકે, આ વ્યાજ મળવા છતાં ખાતાધારકો તો ખોટમાં જ રહે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ના અર્થશાસ્ત્રીઓનું આ મુજબ કહેવું છે.

તેમણે કહ્યું છે કે, રિટેલ સેવર્સ (છૂટક જમાકર્તાઓ)ને બેંકોમાં પડેલા તેમના રૂપિયા પર મળતા વ્યાજમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે તેમના મળતા વ્યાજ પર લગતા ટેકસ સંબંધી નિર્ણયની સમીક્ષા કરવાની જરૂર છે. હાલમાં બેંક બધા ડિપોઝિટર્સ પાસેથી ૪૦ હજાર રૂપિયાથી વધુ વ્યાજની આવક પર ટીડીએસ કાપે છે.

સૌમ્ય કાંતિ દ્યોષના નેતૃત્વમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા લખાયેલી એક નોટમાં તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, જો બધા ડિપોઝિટર્સ માટે શકય ન હોય તો સીનિયર નાગરિકો દ્વારા જમા કરાવાતા રૂપિયા માટે ટેકસેશનની સમીક્ષા કરવી જોઈએ. કેમકે, તેઓ પોતાની દૈનિક જરૂરિયાતો માટે આવા વ્યાજ પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, સમગ્ર બેંકિંગ વ્યવસ્થામાં કુલ મળીને ૧૦૨ લાખ કરોડ રૂપિયા જમા છે .

હાલમાં બેંક બધા ડિપોઝિટર્સ માટે ૪૦ હજાર રૂપિયાથી વધુ વ્યાજની આવક પર ડીટીએસ કાપે છે, જયારે સીનિયર નાગરિકો માટે વ્યાજની આવક પ્રતિ વર્ષ ૫૦ હજારથી વધુ થવા પર ડીટીએસ કાપવાની જોગવાઈ છે. નીતિનું ધ્યાન વદ્ઘિ તરફ જતું રહ્યું છે, તેથી પ્રણાલીમાં વ્યાજ દરો નીચે જઈ રહ્યા છે, જેનાથી જમાકર્તા પ્રભાવિત થઈ રહ્યા છે.

નોટમાં કહેવાયું છે કે, 'સ્પષ્ટ રીતે બેંક ડિપોઝિટ પર મળતા વ્યાજનો વાસ્તવિક દર એક મોટા ગાળા માટે નકારાત્મક રહ્યો છે અને રિઝર્વ બેંકે એ તદ્દન સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રાથમિક લક્ષ્ય વદ્ઘિમાં મદદ કરવાનું છે, ભરપૂર તરલતા જળવાઈ રહેવાને પગલે બેંકિંગ વ્યાજ દર નિકટના સમયમાં વધવાની શકયતા નથી.' તેમાં એમ પણ કહેવાયું છે કે, સિસ્ટમમાં ઘણી તરલતા હોવાને પગલે હાલમાં બેંકો પર 'નફાને લઈને ઘણું દબાણ' છે.

(10:27 am IST)