Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કુંડળી મળતી નહીં હોવાનું કારણ ધરી લગ્નનું વચન તોડી ન શકાયઃ હાઇકોર્ટ

કુંડળી મળતી નહીં હોવાનું કારણ આપીને લગ્નના વચનમાંથી ફરી જનાર ૩૨ વર્ષીય વ્યકિતની બળાત્કાર અને છેતરપિંડીના કેસમાંથી મુકત કરવાની માગણીને મુંબઈ હાઇ કોર્ટે ફગાવી દીધી

મુંબઈ,તા. ૨૨: કુંડળી મળતી નહીં હોવાનું કારણ આપીને લગ્નના વચનમાંથી ફરી જનાર ૩૨ વર્ષીય વ્યકિતની બળાત્કાર અને છેતરપિંડીના કેસમાંથી મુકત કરવાની માગણીને મુંબઈ હાઇ કોર્ટે ફગાવી દીધી હતી.

સંબંધિત પીડિતાએ બોરીવલી પોલીસ સ્ટેશનમાં અવિષેક મિત્રા સામે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ આરોપોને રદ કરવાની માગણી સાથે કરાયેલી મિત્રાની અરજીને હાઇ કોર્ટની જસ્ટિસ એસ. કે. શિંદેની સિંગલ બેન્ચે ફગાવી દીધી હતી. આ આદેશ સોમવારે આપવામાં આવ્યો હતો જેની નકલ મંગળવારે ઉપલબ્ધ થઇ હતી. મિત્રાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સંબંધિત મહિલા અને આરોપીના સંબંધ આગળ નહીં વધી શકે, કારણ કે તેમની કુંડળી મળતી નથી. તેણે દલીલ કરી હતી કે લગ્નની ખોટી લાલચ આપવા હેઠળ આ કોઇ છેતરપિંડી અને બળાત્કારનો કેસ નથી, પરંતુ વચન પૂરું નહીં કરવાનો કેસ છે. તેમ છતાં કોર્ટે મિત્રાના વકીલની દલીલનો અસ્વીકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે શરૂઆતથી જ આરોપી પોતાના લગ્નનું વચન પૂરું કરવાનો ઇરાદો ધરાવતો ન હોવાનું મટિરિયલ પણ ઉપલબ્ધ છે.

એવું જણાઇ રહ્યું છે કે લગ્ન ન કરવા માટે આરોપી કુંડળી મળતી નહીં હોવાનું કારણ આગળ કરી રહ્યો છે. તેથી આ કેસ ખોટા વચન આપવાનો છે, એમ કોર્ટે કહ્યું છે. કોર્ટે નોંધ્યું હતું કે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે આરોપીએ કેસ પાછો ખેંચવા માટે તેને લગ્ન કરવાની ખાતરી આપી હતી. 

(10:29 am IST)