Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

'હર ઘર નલ કા જલ'માં ના.મુખ્યમંત્રીના સાળા-વહુ અને સગાઓને મળ્યા પ૩ કરોડના ૩૬ કોન્ટ્રાકટ

બિહારમાં ‘દલા તરવાડી’ નીતિઃ નાયબ મુખ્યમંત્રી ઉવાચ... શું ધંધો કરવો ઍ ગુન્હો છે?

પટણા, તા., ૨૨: બિહારમાં નીતીશ સરકાર દ્વારા પાંચ વર્ષ પહેલા શરૂ કરાયેલ 'હર ઘર નલ કા જલ'યોજનાને આમ તો બહુ સફળ દર્શાવાઇ રહી છે પણ આ યોજના બાબતે ઇન્ડીયન એકસપ્રેસ દ્વારા કરાયેલ ચાર મહિનાની લાંબી તપાસમાં વાસ્તવિક હકીકતો કંઇક જુદી જ દેખાઇ રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રાજયના નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદના પરીવાર અને તેમના નજીકના સહયોગીઓને જ આ પરીયોજનામાં પ૩ કરોડના પ્રોજેકટના ઓર્ડરો અપાયા છે. જેમાં નાયબ મુખ્યપ્રધાનના પુત્રવધુ પુજા કુમારી અને સાળા પ્રદીપકુમાર ભગતની બે કંપનીઓ છે.

આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન પ્રસાદના નજીકના સહયોગી પ્રશાંતચંદ્ર જયસ્વાલ, લલીત કિશોર પ્રસાદ અને સંતોષકુમારની કંપનીઓ પણ સામેલ છે. યોજના સાથે સંકળાયેલા રેકોર્ડથી જાણવા મળ્યું છે કે કટીહારમાં ભવડા પંચાયતના બધા એટલે કે ૧૩ વોર્ડમાં પુજાકુમારી અને પ્રદીપકુમાર ભગતની કંપનીઓને કામ અપાયું છે.

પુજા કુમારીને મળેલ કોન્ટ્રાકટ બાબતે જયારે સવાલ પુછાયો તો નાયબ મુખ્ય પ્રધાને કહયું, અમારી પાસે ફકત એક કોન્ટ્રાકટ છે અને તે પુત્રવધુ પુજા કુમારીનો તેનું કામ અત્યારે પુરૂ થઇ ગયું છે. આ કોન્ટ્રાકટ જયારે અપાયો ત્યારે હું નાયબ મુખ્ય પ્રધાન નહોતો. શું અમારે કોઇ ધંધો ના કરવો? મારી પુત્રવધુ પાસે ચાર વોર્ડનું કામ હતું. તેના સિવાય આ યોજનાના કોન્ટ્રાકટ કોને મળ્યા છે તેની મને જાણ નથી. તેમણે કહયું કે, આ યોજનાના કટીહાર જીલ્લામાં જ ૨૮૦૦ યુનીટ છે અને તેમાંથી ૪ના કોન્ટ્રાકટ મારા પરીવારને મળ્યા છે. બીઝનેસ કરવો એ કોઇ ખોટુ કામ તો નથી. હા, એટલું જરૂર હોવું જોઇએ કે કોઇ ગડબડ ના થાય. તેમણે કહયું, મેં મારા પુત્રને કહયું છે કે તે કોઇ પણ સરકારી ના કરે, તેનાથી કારણ વગરની સમસ્યાઓ ઉભી થાય છે.

(11:00 am IST)