Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પાનકાર્ડ-એકાઉન્ટ અને જીએસટી નંબર લીંક હશે તો જ રિફંડ મળશે

ખોટી રીતે લેવાતા રિફંડ અટકાવવા નિર્ણય

નવી દિલ્હી, તા.૨૨: સરકારને ચુનો ચોપડવા માટે ખોટી રીતે લેવામાં આવતુ રીફંડ અને આઇટીસીને અટકાવવા માટે જીએસટી કાઉન્સીલમાં કડક નિયમોની જાહેરાત કરી છે. તેમાં વેપારીએ જીએસટી નંબર લેવા માટે જે પાનકાર્ડ રજુ કર્યો હશે તે જ પાનકાર્ડ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આપ્યો હશે તો જ હવે રીફંડ આપવામાં આવશે.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં રીફંડને લગતા નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે સમગ્ર દેશમાં બોગસ બિલીંગના બહાર આવેલા કિસ્સામાં કેટલાય વેપારીઓના બેંક એકાઉન્ટ અને પાનકાર્ડની વિગત અલગ અલગ હોવાના કારણે ખોટી રીતે રીકંડ અને આઇટીસી લઇને સરકારને ચુનો ચોપડવામાં આવતો હોય છે.જેથી હવે આ સમસ્યાનો છુટકારો થાય તે માટે વેપારીએ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે જે પાનકાર્ડ રજુ કર્યો હશે તે જ પાનકાર્ડના આધારે જીએસટી નંબર લીધો હશે તો જ રીફંડ મળશે તેવી જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયને કારણે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને સરળતાથી રીફંડ મળવાનુ છે. પરંતુ સરકારને ચુનો ચોપડનારાઓ પર લગામ કસવા માટે જ આવા નિયમો સમયાંતરે બનાવવામાં આવતા હોય છે તે અંતર્ગત વધુ એક નિયમ બનાવવામાં આવ્યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

(12:59 pm IST)