Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા કેસના આરોપી

આનંદગિરિનું ગુજરાત કનેકશન ખુલ્યું: ગયા વર્ષે જ ટોચના નેતાને મળ્યો'તોઃ ગૌ મંત્રાલય અંગે ચર્ચા કરી'તી

ડાકોર-અંબાજી-વડોદરા સહિતના શહેરોની મુલાકાત પણ લીધી'તીઃ તેના અનુયાયીઓ પણ છે

નવી દિલ્હી, તા.૨૨: સમગ્ર દેશમાં ચર્ચા સ્થાને રહેલો પ્રયાગરાજના મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા અંગે અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસમાં નરેન્દ્રગીરીની સ્યુસાઇડ નોટને આધારે તેમના શિષ્ય આનંદગિરિની ધરપકડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે આનંદગિરી હંમેશા વિવાદને લઈને ચર્ચામાં રહ્યો છે. આનંદગિરી ૧૦ વર્ષનો હતો ત્યારથી સંન્યાસી જીવન અપનાવવાના રસ્તે ચાલ્યો હતો. નરેન્દ્ર ગિરી કોઈ મંદિરના મહંત નહોતા ત્યારથી આનંદગિરી તેમના શિષ્ય બન્યા હતા. ગુજરાતમાં જ અખાડાની એક સંસ્થામાં ફરજ બજાવતા આનંદગિરીની સન્યાસી જીવનશૈલી વૈભવી રહી છે. આનંદગિરીએ વર્ષ ૨૦૨૦માં માર્ચ મહિનામાં ગુજરાતના ટોચના રાજકીય નેતા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન આનંદગિરીએ ગૌ મંત્રાલયની રચના કરવા અને ગૌ હત્યા અટકાવવા મામલે ચર્ચા કરી હતી. આ દરમ્યાન તેમની સાથે તેમના ગુજરાતના કેટલાક અનુયાયીઓ પણ જોડાયા હતા.

વિમાની માર્ગે માર્ચ, ૨૦૨૦માં ગુજરાતના પ્રવાશે આવેલા આનંદગિરીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તે આ નેતાને પણ મળ્યો હતો સાથે જ તે ડાકોર રણછોડરાય મંદિરની મુલાકાતે પણ ગયો હતો અને મંદિરના પૂજારી સાથે ચર્ચા કરી હતી. આ દરમ્યાન તેના ગુજરાતના કેટલાક ખાસ અનુયાયીઓ સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રગીરી ઘણા નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. તેણે અનેકવાર જુદા જુદા રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી છે. નરેન્દ્રગીરી અવનવા નિવેદનો આપીને મીડિયામાં પણ ચર્ચા સ્થાને રહ્યો છે.

બાળપણથી નેતાગીરીનો વિચાર ધરાવતા આનંદગિરીએ ભગવાની આડ લઈને પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ધાર્મિકતાની આડ લઈને તેના વૈભવી શોખ પુરા કરવાની સાથે વિદેશમાં ફરવાના શોખ આનંદગિરી પુરા કરતો હતો સાથે જ તેના વિવાદી વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહ્યો છે. મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા બાદ મળેલી સ્યુસાઇડ નોટથી બહાર આવ્યું કે, આનંદગિરી તેના ગુરુને બદનામ કરવાના અનેક પ્રયાસો કરતો હતો. આનંદગિરી ઉપર ઓસ્ટ્રેલિયામાં યુવતીની છેડતીને લઈને ગુનો નોંધાયાથી લઈને તે દારૂનો નશો કરતો હોવા સહીત અનેક આક્ષેપોને લઈને તે વિવાદમાં રહ્યો છે.

મહંત નરેન્દ્રગીરી ગુજરાતમાં વડોદરા સાથે પણ સંપર્ક ધરાવતા હતા. તેઓ ૨ વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા અને વડોદરા શહેર તથા કરનાળીમાં તેમનું મંદિર અને જમીનો પણ આવેલી છે. તેઓ અવારનવાર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં ગબબરની મુલાકાતે પણ આવતા હતા. મહંત નરેન્દ્રગીરી ૨ વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા અને ચોખંડી મંદિરમાં તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં ચોખંડી વિસ્તારમાં તેમનું મંદિર આવેલું છે તથા જિલ્લાના કરનાળીમાં પણ મહાકાલી મંદિર આવેલું છે. આ મંદિર અને તેની આસપાસની જમીનો પણ તેમના અખાડાની મઠની સંપત્તિ અને કરોડોની જમીન વિવાદ મુદ્દે યુપી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

(3:05 pm IST)