Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રેકોર્ડ સંખ્યામાં થઇ છે ધરપકડ

વિશ્વના મોટા ભાગના દેશોમાં ઇન્ટરનેટ પર પોતાની વાત રાખવાની આઝાદી છીનવાઇ રહી છે

૪૧ દેશોમાં યુઝર્સને ઓનલાઇન કંઇક પોસ્ટ કરવા બદલ હુમલો સહન કરવો પડયો

નવી દિલ્હી, તા.૨૨: દુનિયાના મોટા ભાગના દેશોમાં ઇન્ટરનેટ પર પોતાની વાત મુકવાની આઝાદી છીનવાતી જાય છે. આ બાબત આખા વર્ષ દરમ્યાન જોવા મળી. આ દરમ્યાન રેકોર્ડ સંખ્યામાં ઇન્ટરનેટ યુઝરને તેમની પોસ્ટ માટે ગીરફતાર કરાયા અને હુમલા પણ કરાયા. ફ્રીડમ ઓન ધ નેટ'ના વાર્ષિક રીપોર્ટમાં આ દાવો કરાયો છે.

રીપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૨૧ ડીજીટલ સ્વાતંત્ર્ય માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. મ્યાંમાર અને બેલારૂસમાં ઇન્ટરનેટ શટડાઉનના લીધે ૧૧માં વર્ષે પણ વૈશ્વિક સ્તરે ઓનલાઇન અધિકારોમાં ઘટાડો નોંધાયો છે. પરિસ્થિતી એ છે કે અમેરિકન થીંક ટેંક ફ્રીડમ હાઉસે પોતાના સર્વેમાં ઇન્ટરનેટ સ્વાતંત્ર્ય માટે વિશ્વને ૧૦૦માંથી ફકત એક માર્ક આપ્યો છે. રીપોર્ટમાં ભારતમાં ટવીટ અને ફેસબુક જેવી સોશ્યલ મીડીયા કંપનીઓ માટે બનાવાયેલ નવા નિયમો પર પણ સવાલો ઉઠાવાયા છે.

વિશ્વમાં ઇન્ટરનેટ સ્વાતંત્ર્ય પર સૌથી વધુ હુમલાઓ ચીનમાં કરવામાં આવ્યા. અહીં યુઝરને ઓનલાઇન અસહમતિ માટે જેલની સજાઓ પણ ભોગવવી પડે છે. તો સૌથી વધારે ઇન્ટરનેટ સ્વાતંત્ર્યવાળા દેશોમાં આઇસલેન્ડ સૌથી પ્રથમ સ્થાને છે. ત્યાર પછી એસ્ટોનીયા અને કોસ્ટારીકાનો નંબર આવે છે. ઇન્ટરનેટ એકસેસને માનવ અધિકાર જાહેર કરનાર આઇસલેન્ડ પહેલો દેશ છે.

રીપોર્ટમાં તાનાશાહ યાહયા જામમેહને સત્તા પરથી ઉતાર્યા પછી ઝામબીયાની ઓનલાઇન સ્વતંત્રતાની  પ્રંશષા કરવામાં આવી છે.

(3:15 pm IST)