Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ઓટો ડેબિટ પેમેન્ટ સીસ્ટમ્સ આવી રહી છે

માસિક હપ્તા કે બીલની રકમ એકાઉન્ટમાંથી કાપતા પહેલા હવે દર વખતે બેન્કો-ડિજીટલ પ્લેટફોર્મ્સ ગ્રાહકની પરમીશન લેવી પડશે : સીસ્ટમ્સમાં ફેરફાર કરવા પડશે : દર વખતે આપો આપ પૈસા કાપી શકાશે નહિ

નવી દિલ્હી,તા. ૨૨: ઓકટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાની શકયતા છે. આ નિયમ હેઠળ બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ જેવા કે પેટીએમ-ફોન પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને હપ્તા અથવા બિલના પૈસા ડિડકટ કરતા પહેલાં દર વખતે પરમિશન લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવા ફેરફાર કરવાના છે કે એકવાર પરમિશન આપવામાં આવે તો દર વખતે પૈસા આપોઆપ કપાય નહીં.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અગાઉ કહ્યું હતું કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અથવા અન્ય પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરીને રિકરિંગ ટ્રાન્ઝેકશન માટે એકસ્ટ્રા ફેકટર ઓથેન્ટિકેશન (AFA)ની જરૂર પડશે.

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ રાખ્યા હોય તો એક નિશ્ચિત તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. જો ઓટો ડેબિટનો નિયમ અમલમાં આવશે તો તમારી બિલ પેમેન્ટ પદ્ઘતિને અસર થશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારો એકિટવ મોબાઇલ નંબર બેંકમાં અપડેટ હોવો આવશ્યક છે કારણ કે ઓટો ડેબિટ સંબંધિત સૂચના તમારા મોબાઇલ નંબર પર જ SMS દ્વારા મોકલવામાં આવશે.

નવા નિયમોના અમલ બાદ બેંકોએ પેમેન્ટની નિયત તારીખના ૫ દિવસ પહેલાં ગ્રાહકના મોબાઇલ પર નોટિફિકેશન મોકલવું પડશે. ચુકવણીના ૨૪ કલાક પહેલાં રિમાઇન્ડર મોકલવું પડશે.

રિમાઇન્ડરમાં ચુકવણીની તારીખ અને ચુકવણીની રકમ વગેરે વિશેની માહિતી હશે. ઓપ્ટ આઉટ અથવા પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ ૩૦ સપ્ટેમ્બર પછી અને ૧ ઓકટોબરથી લાગુ થશે. આ સિવાય ૫૦૦૦થી વધુની ચુકવણી પર OTP સિસ્ટમ ફરજિયાત કરવામાં આવ્યું છે.

RBI એ બેન્કિંગ છેતરપિંડી અને ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈન જારી કરી હતી. વર્તમાન સિસ્ટમ મુજબ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અથવા બેંકો ગ્રાહક પાસેથી પરમિશન લીધા બાદ કોઈપણ માહિતી આપ્યા વગર દર મહિને ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપી લે છે. આના કારણે છેતરપિંડી થવાની સંભાવના રહે છે. આ ફેરફાર આ સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.

(3:16 pm IST)