Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મરાઠી ફિલ્મ અભિનેત્રી ઈશ્વરી અને તેના મિત્રનું ગોવા નજીક કાર અકસ્માતમાં મોત

કાર ખાડીમાં ખાબકીઃ સેન્ટ્રલ લોક થઈ જતા બંનેના ડૂબવાથી મોત થયા

મુંબઈ, તા.૨૨: મરાઠી ફિલ્મોની અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના મિત્રનું ગોવા નજીક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ૨૫ વર્ષીય ઈશ્વરી અને તેનો મિત્ર કારમાં હતા ત્યારે તેમની કારને બાર્ડેઝ તાલુકાના અરપોરા અથવા હાડફાડે ગામ નજીક અકસ્માત નડ્યો હતો. ઈશ્વરી સાથે કારમાં તેનો મિત્ર શુભમ દડગે હતો. વહેલી સવારે ૫.૩૦ કલાકે કાર રોડ પરથી ઉતરીને નજીકની ખાડીમાં ખાબકી હતી અને સેન્ટ્રલ લોક થઈ જતા બન્નેના ડૂબવાથી મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એક રિપોર્ટ મુજબ ઈશ્વરી અને શુભમ આવતા મહિને સગાઈ કરવાના હતા.  

ઈશ્વરી અને શુભમ ૧૫ સપ્ટેમ્બરે ગોવા ફરવા આવ્યા હતા. ઈશ્વરીએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું જે હજુ રીલિઝ થઈ નથી. ગોવા પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ ડ્રાઈવરે કાર ઉપર કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. શુભમ દડગે કાર ચલાવતો હતો. ડ્રાઈવરે કારનું નિયંત્રણ ગુમાવતા તે એક તરફથી ડિવાઈડર કૂદાવીને બીજી તરફ ગઈ હતી અને બાદમાં ખાડીમાં ખાબકી હતી. સવારે સાત વાગ્યે ફાયરને આ અકસ્માત અંગે જાણ કરાતા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ફાયરે ભારે જહેમત બાદ ખાડીમાં ડૂબેલી કાર અને બન્નેની લાશ બહાર કાઢી હતી.ઈશ્વરી તેની ડેબ્યૂ મરાઠી ફિલ્મ પ્રેમચે સાઈડ ઈફેકટ્સમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે એક હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું જે હજુ રિલીઝ થવાની હતી.

(4:00 pm IST)