Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

લકઝુરિયસ કાર, બિઝનેસ કલાસમાં સફર...આનંદ ગિરિની લાઈફસ્ટાઈલ - ઠાઠ ચર્ચામાં

ઓસ્ટ્રેલિયામાં મહિલાઓની છેડતી અને દારૂ સાથેના વાયરલ ફોટા અંગે વિવાદમાં રહ્યા : બાઘમ્બરી મઠના મહંત નરેન્દ્ર ગિરિના અવસાન બાદ હજુ પણ દ્યણા પ્રશ્નો વણ ઉકેલાયેલાઃ સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરિ પર માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવાયો છેઃ આ મામલે પોલીસે આનંદ ગિરિને કસ્ટડીમાં લીધા છે,

હરિદ્વારા, તા.૨૨: અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરિના નિધન બાદ તેમના શિષ્ય મહંત આનંદ ગિરિની લાઈફસ્ટાઈલ ચર્ચામાં છે. તેમનો શોખ મોંદ્યા વાહનો સાથે મુસાફરી કરવાનો અને મોંદ્યા મોબાઈલ રાખવાનો છે. તેઓ ભગવા વસ્ત્રો પહેરે છે પરંતુ તે પણ મોંધા હોય છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં મહિલાઓની છેડતી અને વિમાનમાં આલ્કોહોલ સાથેના ફોટાને લઈને પણ દ્યણા વિવાદોમાં રહ્યા છે.

આનંદગિરિ પ્રયાગરાજમાં સંગમના કિનારે આવેલા હનુમાન મંદિરમાં મહંત નરેન્દ્ર ગિરીના સૌથી વિશ્વાસુ હતા. તેથી જ તેમને 'છોટ મહારાજ' કહેવાય છે. આનંદગિરિ વૈભવી કારના શોખીન છે. પ્રયાગરાજમાં તેમના નજીકના મિત્રોનું કહેવું છે કે હોન્ડા સિટી તેમની ફેવરિટ કાર છે.

વૈભવી ફોર વ્હીલર્સ ઉપરાંત આનંદગિરિને બુલેટ બાઈક પણ પસંદ છે. મેળા દરમિયાન તે દ્યણી વખત બુલેટ ફરતા જોવા મળતા હતા. તે કયારેક બુલેટ પર સ્ટંટ કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારે પણ તેમના હાથમાં એપલ કંપનીના બે મોબાઈલ હતા. તે વારંવાર મોબાઈલ પણ બદલતા હતા.

ગયા વર્ષે જ આનંદ ગિરિનો એક ફોટો વાયરલ થયો હતો. ફોટામાં તે પ્લેનના બિઝનેસ કલાસમાં બેઠેલા જોવા મળ્યા હતા. ત્યારે સામે હોલ્ડર પર દારૂથી ભરેલો એક ગ્લાસ મૂકેલો હતો. જયારે આ ફોટો વાયરલ થયો ત્યારે આશ્રમ સાથે જોડાયેલા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે આનંદ ગિરિએ સ્પષ્ટતા કરી હતી કે તે ગ્લાસમાં સફરજનનો રસ હતો. તેને બદનામ કરવા માટે તસવીર વાયરલ કરવામાં આવી હતી. આનંદ ગિરિ પર એવા પણ આરોપો લાગ્યા હતા કે તે સંત પરંપરા વિરુદ્ઘ પોતાના પરિવાર સાથે સંકળાયેલા હતા. મંદિરની નજીકના લોકોના જણાવ્યા અનુસાર, આનંદ ગિરિની લાઈફસ્ટાઈલ અને વિવાદો તેમના ગુરુ સાથે દ્યણી વખત વિખૂટા પડવાનું કારણ બન્યા.

આનંદ ગિરિ દેશ -વિદેશમાં પણ દ્યણી યાત્રાઓ કરતા રહ્યા છે. તે લગભગ છ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં તેમના પર હોટલમાં બે મહિલાઓની છેડતી અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. મહિલાઓએ તેમની સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે તે પછી તેમના ગુરુ નરેન્દ્ર ગિરિની દરમિયાનગીરીથી અને વકીલોની મદદથી તેમને મુકત કરવામાં આવ્યા હતા, પરંતુ તેનાથી નરેન્દ્ર ગિરીની છબી અને બાદ્યમ્બરી મઠને દ્યણું નુકસાન થયું હતું. આનાથી નરેન્દ્ર ગિરિને દ્યણું દુઃખ થયું હતું.

આનંદ ગિરિ રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી છે. તેમનો પરિવાર આજે પણ સરેરી ગામમાં રહે છે. આનંદ ગિરિ નિરંજની અખાડાના સભ્ય હતા. આ જ વર્ષે તેમના પર સંત પરંપરાને યોગ્ય રીતે ન છોડવાનો અને તેમના પરિવાર સાથે સંબંધો જાળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી તેને અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરિ અને આનંદ ગિરિ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. એવું માનવામાં આવતું હતું કે આ વિવાદનું મૂળ બાધમ્બરી મઠની ગાદી હતું.

ઉલ્લખનીય છે કે, પ્રયાગરાજમાં બાદ્યમ્બરી મઠના મહંત નરેન્દ્ર ગિરીના અવસાન બાદ હજુ પણ દ્યણા પ્રશ્નો વણઉકેલાયેલા છે. પોતાની સ્યુસાઇડ નોટમાં તેમણે નાના મહંત એટલે કે આનંદ ગિરિથી માનસિક રીતે પરેશાન હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે આનંદ ગિરિને કસ્ટડીમાં લીધા છે.

(4:03 pm IST)