Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકાર જુકી : કોરોના મૃતકના પરિવારને 50 હજારનું જાહેર કર્યુ વળતર

સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ દાવાની ચકાસણી કરીને 30 દિવસની અંદર વળતર જારી કરી દેશે.

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર બાદ કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરીને જણાવ્યું કે દેશમાં કોરોનાથી થયેલા દરેક મોત કેસમાં પરિવારોને 50 હજારનું વળતર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યં કે સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી આ વળતર ચુકવાશે. સુપ્રીમના નિર્દેશ બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડે વળતર સંબંધિત ગાઈડલાઈન બનાવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી 3.98 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. 

30 જૂનના રોજ આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાને કારણે થતા દરેક મૃત્યુ માટે વળતરની માગણી કરી હતી. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ ૬ અઠવાડિયાની અંદર નક્કી કરવા અને રાજ્યોને જાણ કરવા જણાવ્યું હતું. કોર્ટે ઠરાવ્યું હતું કે આવી આપત્તિમાં લોકોને વળતર આપવું એ સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે તે નક્કી કરવાનું કોર્ટે સરકાર પર છોડી દીધું હતું. આ પહેલા પણ અનેક વાર સુપ્રીમ કોર્ટે કોરોનાથી મરનાર લોકોના પરિવારો માટે વળતર જાહેર કરવાની કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી

  વળતરની પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકારે એવું જણાવ્યું કે જે પરિવારો કોરોના મોતનું વળતર લેવા માગતા હોય તેઓ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ દ્વારા જારી નિયત ફોર્મ જેની સાથે મૃત્યુ પ્રમાણપત્રો અને બીજા દસ્તાવેજો જોડીને સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડમાં જમા કરાવી દેવાના રહેશે. મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાથી મોત એમ સ્પસ્ટપણે દર્શાવેલું હોવું જોઈએ. સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ દાવાની ચકાસણી કરીને 30 દિવસની અંદર વળતર જારી કરી દેશે.

આ કેસના અરજદારોએ દલીલ કરી હતી કે મૃતકને હોસ્પિટલમાંથી સીધા સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ કે તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ કરાતું નથી, કોરોનાથી મોત એવું પ્રમાણપત્ર પણ અપાતું નથી. અરજદારોએ વળતર જાહેર કરવાની માગ કરી હતી. જવાબમાં કોર્ટે કહ્યું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું મૃત્યુ પ્રમાણપત્રમાં સ્પષ્ટપણે મૃત્યુનું કારણ લખવું જોઈએ. પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ

(7:19 pm IST)