Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પરમબીરસિંહની વધશે મુશ્કેલી : એસીબીને અન્ય એક કેસમાં તપાસ કરવાની મહારાષ્ટ્ર સરકારે આપી મંજૂરી

સસ્પેન્શન દરમિયાન એક સંબંધી મારફતે ફરી નોકરી પર લેવા માટે 2 કરોડ રૂપિયાની લાંચ માંગી : તેમના પર ગુનાહિત ષડયંત્ર રચવાનો, પુરાવાનો નાશ કરવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ

મુંબઈ :  પરમબીર સિંહની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને અન્ય કેસમાં તપાસ કરવાની પરવાનગી આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર. ઘાડગેએ એપ્રિલ મહિનામાં પરમબીર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને તેમના પર ગુનાહિત ષડયંત્ર રચવાનો, પુરાવાનો નાશ કરવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ લગાવ્યો હતો.

આ પહેલા ગાંવ દેવી પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટર અનૂપ ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે પરમબીરે ડાંગેના સસ્પેન્શન દરમિયાન એક સંબંધી મારફતે ફરી નોકરી પર લેવા માટે 2 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.

બીજી બાજુ વકીલ શિશિર, ચંડીવાલ ન્યાયિક આયોગે કહ્યું છે કે રાજ્ય દ્વારા નિયુક્ત ચંડીવાલ ન્યાયિક આયોગે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને 6 ઓક્ટોબર સુધીમાં ફરી હાજર થવા માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહ છેલ્લા કેટલાક મહિનાઓમાં વારંવાર સમન્સ પાઠવવા છતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે રચાયેલા ચંડીવાલ કમિશન સમક્ષ હાજર થયા નથી.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે 17 કરોડ રૂપિયાની આવક છુપાવી છે. દેશમુખ અને તેમના પરિવારે ઘણી બનાવટી કંપનીઓમાં નાણાંની લેવડદેવડ કરી હતી. આવકવેરા વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે. આવકવેરા વિભાગે આ સંદર્ભમાં એક પત્ર જાહેર કર્યો છે. આવકવેરા વિભાગે સોમવારે આ માહિતી આપી હતી.

(8:07 pm IST)