Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોરોનાની એન્ટ્રી : બ્રાઝીલના સ્વાસ્થ્યમંત્રી માર્સેલો ક્વેરોગાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

UN મહાસભામાં ભાગ લીધા બાદ બોલ્સોનારોએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી: અનેક નેતાઓ સંપર્કમાં આવ્યા હતા

નવી દિલ્હી :  અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 76મું સત્ર ચાલી રહ્યું છે. જો કે હવે તેમાં કોરોના વાઈરસની એન્ટ્રી થતાં ફફડાટ ફેલાયો છે. UNGAની મળેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલો ક્વેરોગાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

UN મહાસભામાં ભાગ લીધા બાદ બોલ્સોનારોએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠકમાં માર્સેલો ક્વેરોગા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ વડાપ્રધાન મોદી અમેરિકાના 4 દિવસના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત વિશ્વના અન્ય નેતાઓ સાથે વાટાઘાટો કરશે અને UNGAને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસનું સમાપન ન્યૂયોર્કમાં UNGAમાં કોવિડ-19 મહામારીથી વિશ્વ સમક્ષ ઉભા થયેલા પડકારો સહિત આતંકવાદને સમાપ્ત કરવાની આવશ્યક્તા, ક્લાઈમેટ ચેન્જ સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓને પોતાના સંબોધનમાં આવરી લેશે.

(8:46 pm IST)