Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પર સચિન પાયલટનો ધડાકો, કહ્યું- કોઈ વ્યક્તિ એક સાથે બે હોદ્દા પર નહીં રહી શકે: ગહેલોત નવા પ્રમુખ બને તો પ્રમુખ અને સીએમ બંને પદ રાખી ન શકે તેવો સ્પષ્ટ નિર્દેશ: ગહેલોત પાયલોટને રાજસ્થાનના નવા સીએમ તરીકે સ્વીકારવા તૈયાર નથી: કોકડું ગૂંચવાતું જાય છે

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીને લઈને અટકળોનું બજાર ગરમ છે.  શશિ થરૂર અને અશોક ગેહલોતના નામ સૌથી વધુ સામે આવી રહ્યા છે.  એક પછી એક થરૂર અને ગેહલોત વચગાળાના કોંગી પ્રમુખ સોનિયા ગાંધીને મળી રહ્યા છે.  આ દરમિયાન હવે સચિન પાયલોટે પણ આ ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેના ઘણા અર્થ થાય છે.

નવા પ્રમુખની ચૂંટણીને લઈને જે પણ અટકળો ચાલી રહી છે, તે બે-ત્રણ દિવસમાં વિરામ પામશે, કારણ કે નામાંકન પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે.  તમને જણાવી દઈએ કે, પાયલટનું આ નિવેદન ઘણું મહત્વનું છે અથવા એમ કહીએ કે તેમણે સીએમ ગેહલોતને સ્પષ્ટ કહી દીધું છે કે જો તેઓ પ્રમુખ બનશે તો તેમણે સીએમ પદેથી રાજીનામું આપવું પડશે.
જો ચર્ચાતી વિગતો માનીએ તો, ગેહલોત અધ્યક્ષ બનવા માંગતા નથી, તેઓ તેમનું સીએમ પદ છોડવા તૈયાર નથી, અને જો સીએમ પદ છોડવાનું આવે તો સચિન પાયલોટ ને સીએમ બનવા દેવા માગતા નથી તેઓ તેના વિકલ્પે બીજું નામ આપી રહ્યા છે તેવી પણ ચર્ચા છે.  પોતે સીએમ પદ છોડો માગતા ન હોય, તેઓ સતત રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ રાહુલ સહમત નથી. જણાવી દઈએ કે, આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા પહેલા ગેહલોતે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે પોતાના ધારાસભ્યોને સૂચનાઓ આપી હતી.
એક અહેવાલ મુજબ ગેહલોતે પોતાના ધારાસભ્યોને કહ્યું કે તેઓ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છે.  જો તેમને નામાંકન ભરવા માટે કહેવામાં આવશે તો તેઓ તમામ ધારાસભ્યોને જાણ કરશે. જો કે, ભૂતકાળમાં સોનિયા ગાંધી અને જયરામ રમેશે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં.  જે કોઈ ચૂંટણી લડવા માંગે છે તે લડી શકે છે.

(10:05 pm IST)