Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

NIA અને EDએ ૧૦ રાજ્‍યોમાં PFI અડ્ડાઓ પર દરોડા પાડયા : ૧૦૦થી વધુ લોકોની ધરપકડ

આતંક પર વાર

તિરુવનંતપુરમ - ચેન્‍નાઇ તા. ૨૨ : આતંકવાદીઓની કમર તોડવા માટે, રાષ્ટ્રીય તપાસ એજન્‍સી (NIA) અને એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ આજે   તામિલનાડુ, કેરળ સહિત ૧૦ રાજયોમાં PFI સ્‍થાનો પર દરોડા પાડ્‍યા હતા. દરોડા દરમિયાન ૧૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. NIAએ જે રાજયોમાં દરોડા પાડ્‍યા છે તેમાં યુપી, કેરળ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત ૧૦ રાજયોનો સમાવેશ થાય છે. PFI અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર   ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા સામે આ અત્‍યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

NIA અને EDએ મલપ્‍પુરમ જિલ્લાના મંજેરી ખાતે PFI પ્રમુખ OMA સલામના ઘર પર દરોડા પાડ્‍યા હતા. આ દરમિયાન પીએફઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ સિવાય પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યકરો પણ કર્ણાટકના મેંગલુરૂમાં એનઆઈએના દરોડાનો વિરોધ કરી રહ્યા છે.

PFIના રાષ્ટ્રીય, રાજય અને સ્‍થાનિક સ્‍તરના નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રદેશ સમિતિની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સંગઠને એક નિવેદનમાં કહ્યું કે અમે અસંમતિના અવાજને દબાવવા માટે એજન્‍સીઓનો ઉપયોગ કરવા માટે ફાસીવાદી શાસન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંનો સખત વિરોધ કરીએ છીએ.

પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઈન્‍ડિયા (PFI) ની રચના ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ થઈ હતી. આ સંગઠન દક્ષિણ ભારતમાં ત્રણ મુસ્‍લિમ સંગઠનોને મર્જ કરીને બનાવવામાં આવ્‍યું હતું. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્‍ટ ઓફ કેરળ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના ૨૩ રાજયોમાં સક્રિય છે. દેશમાં સ્‍ટુડન્‍ટ્‍સ ઈસ્‍લામિક મૂવમેન્‍ટ (SIMI) પર પ્રતિબંધ લગાવ્‍યા બાદ PFIએ ઝડપથી વિસ્‍તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજયોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. આમાં મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા મોરચો અને વિદ્યાર્થીઓ માટે કેમ્‍પસ ફ્રન્‍ટ ઓફ ઈન્‍ડિયા જેવી સંસ્‍થાઓનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો એકબીજા પર ચૂંટણી દરમિયાન મુસ્‍લિમ મતદારોનું સમર્થન મેળવવા માટે PFIની મદદ લેવાનો આરોપ પણ લગાવે છે. તેની રચના થઈ ત્‍યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

આ પહેલા ૧૮ સપ્‍ટેમ્‍બરે પણ NIAની ટીમે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૪૦ સ્‍થળો પર દરોડા પાડ્‍યા હતા. આ દરમિયાન ચાર લોકોને કસ્‍ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેલંગાણા-આંધ્રના બે-બે લોકોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને રાજયોમાં ૨૩ થી વધુ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

(10:15 am IST)