Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

૨૦૦૨માં રૂા. ૧૦૦૦માં શું ખરીદી શકાતુ ? આજે શું લઇ શકાય ?

કુદકે ને ભુસ્‍કે વધતી મોંઘવારીની અસર : ૨૦ વર્ષમાં ચીજ-વસ્‍તુઓના ભાવ ૪૦૦ ટકા વધ્‍યા : પૈસાની વેલ્‍યુ ઘસાતી ગઇ : લોકોની ખરીદશકિત ઘટી : રસપ્રદ વિશ્‍લેષણ

નવી દિલ્‍હી તા. ૨૨ : ફુગાવાને અર્થશાષામાં એવો ટેક્‍સ કહેવામાં આવે છે, જે દેખાતો નથી, પરંતુ તેની અસરમાંથી કોઈ બચી શકતું નથી. આ એક ટેક્‍સ છે જે દરેક વ્‍યક્‍તિ ચૂકવે છે. હાલમાં, ભારતમાં છૂટક ફુગાવાનો દર ૭ ટકા છે અને તે સતત આઠ મહિનાથી રિઝર્વ બેન્‍કની ૬ ટકાની ઉપલી મર્યાદાથી ઉપર છે. ફુગાવાની સૌથી ખરાબ અસર એ છે કે તેના કારણે પૈસાનું મૂલ્‍ય ઘટે છે, એટલે કે ખરીદશક્‍તિ ઘટી જાય છે. ચાલો જાણીએ કે ૨૦ વર્ષ પહેલા ૧૦૦૦ રૂપિયામાં શું ખરીદવું શક્‍ય હતું અને આજે આટલા રૂપિયામાં શું ખરીદી શકાય છે.

ડેટાદર્શાવે છે કે છેલ્લા ૨૦ વર્ષમાં કેટલીક વસ્‍તુઓના ભાવમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. બિઝનેસ ટુડેએ સરખામણી માટે અનાજ, કઠોળ, પેટ્રોલ અને પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને અન્‍ય કિંમતી ધાતુઓ જેવી ચીજવસ્‍તુઓના ભાવનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને સ્‍પષ્ટ દેખાય છે કે છેલ્લા ૨૦ વર્ષોમાં ભારતીયોની ખરીદશક્‍તિ પર કેવી અસર થઈ છે.

અનાજ : છેલ્લા ૨૧ વર્ષમાં બિન-બાસમતી ચોખાના ભાવમાં ૪૨૩ ટકાનો વધારો થયો છે. ૨૦૦૦-૦૧માં જયાં તેની જથ્‍થાબંધ કિંમત ૫.૨૭ રૂપિયા હતી તે હવે વધીને ૨૭.૫૫ રૂપિયા થઈ ગઈ છે. આ રીતે, ૨૦૦૧માં ૧૯૦ કિલો નોન-બાસમતી ચોખા ૧૦૦૦ રૂપિયામાં ખરીદવાનું શક્‍ય હતું, પરંતુ હવે માત્ર ૩૬ કિલો ખરીદી શકાશે. એ જ રીતે બાસમતી ચોખાની કિંમત ૬૨૯ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલથી વધીને ૬૧૦૭ રૂપિયા થઈ ગઈ છે. આ ૮૭૦ ટકાનો મોટો ઉછાળો છે. આ ૨૧ વર્ષમાં ઘઉંના ભાવમાં ૧૬૬ ટકાનો વધારો થયો છે. એ જ રીતે જુવાર અને બાજરીના ભાવમાં આ સમયગાળા દરમિયાન અનુક્રમે ૪૨૦ ટકા અને ૨૪૨ ટકાનો વધારો થયો છે.

કઠોળ : ૨૦૦૦-૦૧ દરમિયાન, તુવેરની કિંમત ૧૮૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ હતી, જે હવે ૫૮૨૦ રૂપિયા છે. આ ૨૧ વર્ષમાં ૨૨૪ ટકાનો ઉછાળો છે. એ જ રીતે ચણાનો ભાવ ૧૪૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલથી ૨૬૩ ટકા વધીને ૫૦૯૦ રૂપિયા થયો છે. અન્‍ય કઠોળની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન અડદ, મગ અને મસૂરના ભાવમાં અનુક્રમે ૨૬૪ ટકા, ૨૫૩ ટકા અને ૩૪૦ ટકાનો વધારો થયો છે. મતલબ કે ૨૦૦૧માં ૫૯ કિલો અડદની દાળ ૧૦૦૦ રૂપિયામાં ખરીદી શકાતી હતી, પરંતુ હવે માત્ર ૧૬ કિલો જ ૧૦૦૦ રૂપિયામાં મળશે.

પેટ્રોલિયમ પ્રોડકટ્‍સ : ૨૦૦૨-૦૩માં દિલ્‍હીમાં પેટ્રોલની કિંમત ૨૯.૫ રૂપિયા પ્રતિ લિટર હતી, જે હવે ૨૩૩ ટકા વધીને ૯૮ રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે ડીઝલની કિંમત ૧૯ રૂપિયાથી ૩૬૦ ટકા વધીને ૮૭.૫ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મતલબ કે ૨૦૦૩માં ૫૨ લિટર ડીઝલ ૧૦૦૦ રૂપિયામાં મળતું હતું, પરંતુ હવે માત્ર ૧૧ લિટર જ મળશે.

સોનુ અને ચાંદી : ૨૦૦૪-૦૫માં મુંબઈના બજારમાં ૧૦ ગ્રામ સોનું ૬૦૦૦ રૂપિયામાં ઉપલબ્‍ધ હતું. હવે તેની કિંમત ૭૦૦ ટકા વધીને ૪૮ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. એ જ રીતે, ચાંદીની કિંમત ૨૦૦૪-૦૫માં ૧૦,૩૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ૫૨૭ ટકા વધીને ૬૪,૯૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

માથાદીઠ આવક : એવું નથી કે આ સમયગાળા દરમિયાન માત્ર ખરાબ જ ખરાબ થયું છે. તેમાં કોઈ શંકા નથી કે મોંઘવારીને કારણે ખરીદશક્‍તિ ઘટી છે, પરંતુ તેની સાથે લોકોની આવકમાં પણ વધારો થયો છે. ૨૦૦૦-૦૧ દરમિયાન ભારતની માથાદીઠ આવક માત્ર ૧૮,૬૬૭ રૂપિયા હતી. હવે તે વધીને ૧.૫૦ લાખ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે છેલ્લા ૨૧ વર્ષમાં ભારતમાં લોકોની સરેરાશ આવકમાં ૭૦૦ ટકાનો વધારો થયો છે.

(11:04 am IST)