Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વિશ્વની સૌથી મોંઘી સબ્‍જી ૧ કિલોનો ભાવ ૧.૧૦ લાખ રૂપિયા : આટલી કિંમતમાં તો ૨ તોલા સોનું આવી જાય

૭૦થી ૮૦ હજાર કિંમત થાય ત્‍યારે સસ્‍તુ થયું એમ માનવામાં આવે છે : શંકુ આકારના ફૂલ ઉપરાંત ડાળખીઓનો ઉપયોગ ટીબીની બીમારીમાં થાય છે

લંડન,તા. ૨૨: શાકભાજીના ભાવ વધે ત્‍યારે મધ્‍યમવર્ગનું બજેટ ખોરવાઇ જાય છે.ગૃહીણીઓ માટે ઘર ચલાવવું મુશ્‍કેલ બની જાય છે. દરેક સબ્‍જીના ભાવ શાક માર્કેટમાં માંગ અને પુરવઠા મુજબ જુદા જુદા હોય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે એક શાકભાજી એવી છે જે ૧.૧૦ લાખ રુપિયાની કિલો મળે છે. આ વિશ્વની સૌથી મોંઘી સબ્‍જી ગણાય છે. તેની ૧ કિલો કિંમતમાં બે તોલા સોનું ખરીદી શકાય છે. હવે એ જણાવી દઇએ કે આ મોંઘી સબ્‍જીનું નામ હોપ શૂટસ છે. આ કોઇ એવી સામાન્‍ય સબ્‍જી નથી જે શાક માર્કેટમાં સરળતાથી મળી જાય. તે ખાસ ઓર્ડર આપીને મંગાવવી પડે છે.

૧ કિલો હોપ શુટસની કિંમત ૭૦ થી ૮૦ હજાર થાય ત્‍યારે સસ્‍તું થયું એમ માનવામાં આવે છે. તેની જુદી જુદી કિંમત ગુણવત્તા પરથી નકકી થાય છે. આ સબ્‍જીના તમામ ભાગ ઉપયોગી છે. હોપ શૂટસના ફૂલોને હોપ કોન્‍સ કહેવામાં આવે છે. હોપ શૂટસના ફૂલોનો ઉપયોગ મોંઘી દાટ બિયર બનાવવામાં થાય છે. હોપ શુટસ વનસ્‍પતિનું મૂળ નિવાસસ્‍થાન ઉત્તર અમેરિકા છે. શંકુ આકારના ફૂલ ઉપરાંત તેની ડાળખીઓનો ઉપયોગ ટીબીની બીમારી મટાડવામાં થાય છે.

હોપ શુટસ તાપમાન માટે ખૂબજ સંવેદનશીલ છે માટે તેને ઉગાડવી અને ઉત્‍પાદન લેવું અઘરુ બને છે. હોપ શૂટસની હરિફાઇ કરે તેવી બીજી શાકભાજી માત્ર ફ્રાંસમાં જ થતા બા બોનેટે બટાટા છે. અત્‍યંત દુલર્ભ ગણાતા આલું આઇલ ડી નોઇરમૌટિયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારના આલુનો ટેસ્‍ટ કુદરતી રીતે જ થોડો ખારો હોય છે. ખૂબ માવજત કર્યા પછી વર્ષમાં માત્ર ૧૦ દિવસ જ ઉત્‍પાદન આપે છે. તેની પણ અંદાજીત કિંમત ૯૦ હજારથી માંડીને ૧ લાખ રુપિયા હોય છે.

(11:17 am IST)