Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ચેન્‍નઇના મુસ્‍લિમ દંપતિએ તિરુપતિ મંદિરને આપ્‍યું એક કરોડનું દાન

અગાઉ શાકભાજીના પરિવહન માટે મંદિરમાં રૂપિયા ૩૫ લાખનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્‍યું હતું

ચેન્‍નાઇ,તા. ૨૨ : ચેન્નઈના એક મુસ્‍લિમ દંપતિએ આંધ્ર પ્રદેશના તિરુમાલા સ્‍થિત ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં રૂપિયા ૧.૦૨ કરોડનું દાન કર્યું છે. કારોબારી અબ્‍દુલ ગની અને તેની પત્‍ની સુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ (TTD)ના અધિકારીઓને દાનની રકમનો ચેક આપ્‍યો હતો.અગાઉ પણ તેમણે અનેક વખત મંદિરમાં દાન આપી ચુક્‍યા છે. મંદિર પ્રત્‍યે તેઓ વિશેષ લગાવ ધરાવે છે.

કુલ દાનની રકમ પૈકી રૂપિયા ૧૫ લાખ શ્રી વેંકટેશ્વર અન્ના પ્રસાદમ ટ્રસ્‍ટ માટે છે, જે તે દિવસે હજારો ભકતોને વિના મૂલ્‍યે ભોજન આપે છે. બાકીના રૂપિયા ૮૭ લાખનું દાન શ્રી પહ્માવતી ગેસ્‍ટ હાઉસમાં રસોઈમાં નવા ફર્નિચર તથા અન્‍ય ચીજો માટે છે.

આ પ્રથમ વખત નથી કે જયારે કારોબારી અબ્‍દુલ ગનીએ બાલાજી મંદિર નામથી જાણીતા આ મંદિરમાં દાન આપ્‍યું છે. વર્ષ ૨૦૨૦માં પણ તેમણે કોવિડ-૧૯ની મહામારીના સમયમાં મંદિર પરિસરમાં કીટનાશક સ્‍પ્રે કરવા માટે એક બહુઆયામી ટ્રેક્‍ટર-માઉન્‍ટેડ સ્‍પ્રેયરનું દાન કર્યું હતું. તેમણે આ અગાઉ શાકભાજીના પરિવહન માટે મંદિરમાં રૂપિયા ૩૫ લાખનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્‍યું હતું.

મુસ્‍લિમ ભક્‍ત તરફથી મળેલી આ ઓફર બાદ મંદિર ખાતે અષ્ટદલ પદ પહ્મરથના નામની વિશેષ ચુકવણી વિધિની શરૂઆત કરવાં આવ છે. અહીં પ્રત્‍યેક મંગળવારે ભગવાન વેંકટેશ્વરના ૧૦૮ આકાશી નામોનો જાપ કરી મંદિરો પર ભરવાનના દૈવી ચરણોમાં ફૂલ મુકીને પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવે છે.

અગાઉ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે તિરુમાલા મંદિરને રૂપિયા ૧.૫ કરોડનું દાન કર્યું હતું. અંબાણીએ પ્રસિદ્ધ મંદિરમાં પૂજા-અર્ચના કર્યાં બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમને ડિમાન્‍ડ ડ્રાફટ આપ્‍યો હતો.

દક્ષિણ ભારતના તમામ મંદિર તેમની ભવ્‍યતા અને સુંદરતા માટે જાણીતા છે. તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. આ મંદિરને ભારતના સૌથી સમૃદ્ધ મંદિર માનવામાં આવે છે. કારણ કે અહીં દરરોજ કરોડો રૂપિયાનું દાન મળે છે.

(10:22 am IST)