Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઇકોનોમિક વીકર સેક્શન (EWS) ક્વોટાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં રજુઆત : બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે આર્થિક રીતે પછાત લોકોને અનામત ન આપવી : સામાન્ય વર્ગના ઘણા બાળકો ગરીબીને કારણે અભ્યાસ કરી શકતા નથી : EWS ક્વોટા માટે બંધારણમાં કરાયેલો સુધારો સંપૂર્ણપણે સાચો હોવાનું એટર્ની જનરલનું મંતવ્ય

ન્યુદિલ્હી : આ દિવસોમાં આર્થિક રીતે નબળા વર્ગોને આપવામાં આવેલા 10% EWS ક્વોટાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક તરફ, આ અનામતને પડકારતી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ બંધારણની વિરુદ્ધ છે. આ સાથે જ સરકારે કોર્ટમાં કહ્યું છે કે બંધારણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અનામતનો આધાર આર્થિક ન હોઈ શકે. એટલું જ નહીં, બુધવારે આ સંદર્ભમાં જવાબ આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ ક્વોટા માટે બંધારણમાં 103મો સુધારો સંપૂર્ણપણે સાચો છે.

તેમણે કહ્યું કે આ સુધારો બંધારણના જ અનુચ્છેદ 46 હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિત માટે પગલાં ભરવા જોઈએ. આટલું જ નહીં, સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલોએ કહ્યું કે SC, ST અને OBC વર્ગના લોકોને EWS ક્વોટાને લઈને કોઈ અસર થશે નહીં . કારણ કે તેમનો ક્વોટા સમાન રહેશે. તેમણે કહ્યું કે બિન અનામત બેઠકો માટેના 50 ટકામાંથી આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા ક્વોટા આપવામાં આવ્યો છે તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)